(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૬
૮ નવેમ્બરના રોજ કેન્દ્રની મોદી સરકારે લાદેલી નોટબંધીને એક વર્ષ પૂર્ણ થશે ત્યારે કાળો દિવસ મનાવવાના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા ૮મીએ રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં શહેર જિલ્લાના મુખ્ય ચાર રસ્તા પર કાળીપટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કરશે.
આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમની માહિતી આપતા કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યુું છે કે કેન્દ્રની મોદી સરકારની અણઘડ અને દિશાવિહીન આર્થિક નીતિના કારણે રાતોરાત દેશના ૧રપ કરોડ નાગરિકો પર થોપી દેવામાં આવેલ નોટબંધીના નિર્ણયને તા.૮મી નવેમ્બરના રોજ એક વર્ષ પૂર્ણ થશે. ત્યારે કેન્દ્રની ભાજપ સરકારના આર્થિક પાયમાલીના નિર્ણય સામે દેશના નાગરિકોના હિતમાં રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા શહેર-જિલ્લાના મુખ્ય ચાર રસ્તા પર કાળીપટ્ટી પહેરીને વિરોધપ્રદર્શન કરવાનો કાર્યક્રમ યોજાશે. કેન્દ્રની ભાજપ સરકારે વિચાર્યા વિના લીધેલા પગલાના કારણે દેશમાં તમામ ધંધા-રોજગાર પર અને તમામ વર્ગને ભારે હાલાકી-પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. રૂા.પ૦૦-૧૦૦૦ની નોટો બદલવા માટે દેશના નાગરિકોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ જેના કારણે અનેક જગ્યાઓએ મૃત્યુની ઘટનાઓ પણ બની હતી. દેશના અર્થતંત્રને મોટાપાયે માઠી અસર થઈ છે.