(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
સુપ્રીમકોર્ટે આજે અયોધ્યા જમીન વિવાદમાં ત્રણ સભ્યોની પેનલને ૧૮મી જુલાઈ સુધી મામલાની કાર્યવાહીની સ્થિતિ રજૂ કરવા કહ્યું છે. પેનલની આગેવાની પૂર્વ જજ કલીફુલ્લા કરી રહ્યા છે. પેનલના રિપોર્ટના આધારે જ સુપ્રીમકોર્ટ નિર્ણય કરશે કે આગળ સુનાવણી કરવી કે નહીં. જો પેનલના રિપોર્ટ યોગ્ય નહીં જણાય તો રપમી જુલાઈથી આ મામલાની સુનાવણી સુપ્રીમકોર્ટ રોજેરોજ કરશે. સુપ્રીમકોર્ટે આગળ કહ્યું કે, જો રિપોર્ટ પછી અમને જણાશે કે સમાધાનની શક્યતા નથી અને મધ્યસ્થતાનો અંત લાવવાની જરૂર છે તો અલ્હાબાદ હાઈકોર્ટના ૩૦મી સપ્ટેમ્બર ર૦૧૦ના ચુકાદા સામે દાખલ થયેલ અપીલની સુનાવણી શરૂ કરાશે. મામલાની સુનાવણી કરી રહેલ સીજેઆઈ રંજન ગોગોઈ, દીપક ગુપ્તા અને અનિરૂદ્ધ બોસની બેંચે કહ્યું કે મધ્યસ્થતા પેનલને અનુવાદ કરવામાં વિલંબ થઈ રહ્યું હતું. એ માટે એમણે વધુ સમયની માગણી કરી હતી. મધ્યસ્થતા પેનલને ભંગ કરવાની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે કહ્યું હતું અમોએ પેનલની રચના કરી હતી જેથી અમને એના રિપોર્ટની રાહ જોવી જ પડશે. મધ્યસ્થતા કરનારાને રિપોર્ટ રજૂ કરવા દો. સુપ્રીમકોર્ટ ગોપાલસિંહ વિશારદના પુત્ર રાજેન્દ્રસિંહ દ્વારા દાખલ કરાયેલ અરજીની સુનાવણી કરી રહી હતી જે જમીનના મૂળ પક્ષકારોમાંના એક પક્ષકાર છે. અરજદારે કહ્યું હતું કે મધ્યસ્થી પેનલના કાર્યમાં કોઈ પ્રગતિ થઈ નથી જેથી સુપ્રીમકોર્ટે તાત્કાલિક સુનાવણી શરૂ કરવી જોઈએ.
જો અયોધ્યા વિવાદ બાબતે મધ્યસ્થતા નિષ્ફળ રહેશે તો રપમી જુલાઈથી સુનાવણી શરૂ, સુપ્રીમ કોર્ટે કહ્યું, પેનલ પાસેથી પ્રોગ્રેસ રિપોર્ટ માંગ્યો છે

Recent Comments