(એજન્સી) નવી દિલ્હી, તા.ર
સુપ્રીમકોર્ટે આજે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસ બાબતે નિર્ણય કરતાં જણાવ્યું કે આ મુદ્દે મધ્યસ્થતાના પ્રયાસો નિષ્ફળ રહેલ હોવાથી કોર્ટ ૬ઠ્ઠી ઓગસ્ટથી રોજેરોજ સુનાવણી શરૂ કરશે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ જણાવ્યું કે, અમને રિપોર્ટ મળ્યો છે અને અમે ધ્યાનમાં લીધો છે જેથી ફલિત થાય છે કે મધ્યસ્થતા દ્વારા કોઈ સમાધાન થયું નથી. એ માટે અમે ૬ઠ્ઠી ઓગસ્ટથી સુનાવણી શરૂ કરીશું. ગુરૂવારે મધ્યસ્થી પેનલ દ્વારા દાખલ કરાયેલ રિપોર્ટનું અભ્યાસ કરી આ નિર્ણય કર્યો હતો. સુપ્રીમકોર્ટે વિવાદ ઉકેલવા ત્રણ સભ્યોની પેનલની રચના કરી હતી જેની આગેવાની સુપ્રીમકોર્ટના પૂર્વ જજ એફ.એમ.કલિફુલ્લાની હતી અને અન્ય સભ્યોમાં શ્રી.શ્રી.રવિશંકર અને વકીલ શ્રીરામ પાંચુ હતા.
રોજેરોજ સુનાવણીનો અર્થ મંગળવાર, બુધવાર અને ગુરૂવાર હોય છે, સોમવાર અને શુક્રવારે ફકત નવા કેસોની સુનાવણી થાય છે. એ સાથે સુપ્રીમકોર્ટે રજિસ્ટ્રીને જણાવ્યું છે કે બધા દસ્તાવેજોનો અનુવાદ તૈયાર રાખવામાં આવે. મોટી સંખ્યામાં દસ્તાવેજોના અનુવાદ બાકી હોવાના અહેવાલો મળી ચૂકયા છે. સાક્ષીઓના નિવેદનો અને અન્ય દસ્તાવેજો ફારસી, સંસ્કૃત, ઉર્દૂ અને અન્ય ભાષાઓમાં હતા જેના અનુવાદ કરવા બાકી હતા.
સુપ્રીમકોર્ટે કહ્યું કે, પક્ષકારોએ તૈયાર થઈને આવવું. એમણે એ સાથે કોર્ટ રજિસ્ટ્રીને પણ સૂચના આપી છે કે આ કેસ અંગેના બધા દસ્તાવેજો તૈયાર રાખવામાં આવે અને સુનાવણી વખતે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. સુપ્રીમકોર્ટે કહ્યું અમે સ્પષ્ટ કરીએ છીએ કે જ્યાં સુધી દલીલો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સુનાવણી રોજેરોજ કરાશે. બંધારણીય બેંચમાં સીજેઆઈ ઉપરાંત અન્ય જજોમાં એસ.એ.બોબડે, ડી.વા.ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ.અબ્દુલ નઝીર છે.