(એજન્સી) નવી દિલ્હી,તા.ર૭
સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે, એએસઆઈ દ્વારા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ સંદર્ભે ર૦૦૩ના વર્ષમાં તૈયાર કરાયેલ રિપોર્ટ ફકત સામાન્ય અભિપ્રાય નથી કારણ કે પુરાતત્વવિદોએ અલાહાબાદ હાઈકોર્ટના કહેવાથી રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટ ખોદકામ દ્વારા મળેલ ચીજ વસ્તુઓના અભ્યાસ પછી તૈયાર થયેલ છે. એએસઆઈના અધિકારીઓ દ્વારા તૈયાર થયેલ રિપોર્ટ પરિપકવ અને અભ્યાસુ અધિકારીઓ દ્વારા તૈયાર થયેલ છે. મુસ્લિમ પક્ષકારો તરફે રજૂઆત કરતા વકીલ મીનાક્ષી અરોરાએ જણાવ્યું હતું કે એએસઆઈનો રિપોર્ટ માત્ર અભિપ્રાય છે. જેને સમર્થન આપવા અન્ય નક્કર પુરાવાઓની જરૂર છે જેથી પુરવાર થઈ શકે કે વિવાદિત સ્થળે રામમંદિરનું અસ્તિત્વ હતું. અરોરાએ જણાવ્યું કે રિપોર્ટ નક્કર પુરાવાઓ તરીકે ગણી શકાય નહીં. આ એક નબળો પુરાવો છે જેને નક્કર પુરાવા સાથે સમર્થન મળવું જોઈએ. એએસઆઈનો રિપોર્ટ કોર્ટને બંધનકર્તા નથી કારણ કે આ માત્ર સલાહ આપવા જેવી છે. એના દ્વારા કોઈ નક્કર નિર્ણય કરી શકાય નહીં. અરોરાએ કહ્યું કે પુરાતત્વવિદોને કહેવામાં આવ્યું હતું કે એ રિપોર્ટ આપે કે વિવાદિત સ્થળે રામમંદિરનું અસ્તિત્વ હતું કે નહીં. રિપોર્ટના અંતમાં લખેલ સારને દોહરાવતા કહ્યું કે માળખાના ઉચ્ચ સ્થળે ઉત્તર ભારતનું મંદિર હોવાનું જણાય છે. એમણે એ પણ કહ્યું કે એએસઆઈના રિપોર્ટમાં કેટલાક સ્થળોએ જણાવાયું છે કે બહારના ભાગે જે રામ ચબુતરો છે એ કદાચ પાણીની ટાંકી પણ હોઈ શકે. રિપોર્ટમાં ઘણા જ અનુમાનો અને સંભવિતતાઓ છે જેથી આ રિપોર્ટ સ્વીકારવા કોર્ટ બંધાયેલ નથી આ ફકત અભિપ્રાય છે. નક્કર પુરાવાઓ નથી. મુસ્લિમ પક્ષકારો તરફે અન્ય એક વકીલ શેખર નફાડેએ પોતાની દલીલમાં કાયદાકીય સિધ્ધાંતનો ઉલ્લેખ કર્યો. એમણે કહ્યું કે કેસને રેસ જુડિકાટાના સિધ્ધાંતનો બાધ છે સિવિલ પ્રોસીઝર કોડની જોગવાઈ મુજબ જો એક વિવાદનો કોર્ટ દ્વારા નિકાલ થયેલ હોય તો એ જ વિવાદને કોર્ટમાં ફરીથી રજુ કરી શકાય નહીં. ૧૮૮પના વર્ષમાં મહંત રઘુવરદાસે કોર્ટમાં દાવો દાખલ કરી વિવાદિત સ્થળે મંદિર બાંધવાની પરવાનગી માંગી હતી. એ દાવો રદ કરવામાં આવ્યો હતો. રેસ જુડિકાટાના સિધ્ધાંત મુજબ હવે હિન્દુ પક્ષકારો આ વિવાદને ફરી ઉભો કરી શકે નહીં. ગઈકાલે મુસ્લિમ પક્ષકારે ર૦૦૩ની એએસઆઈ રિપોર્ટ સંદર્ભે યુ-ટર્ન લીધો હતો. જેમાં જણાવ્યું હતું કે બાબરી મસ્જિદ પહેલા માળખુ હતું. એમણે કોર્ટ સમક્ષ માફી માંગી હતી.
અયોધ્યા કેસ : એએસઆઈ રિપોર્ટ સામાન્ય અભિપ્રાય નથી, પરિપકવ બૌદ્ધિકો દ્વારા તૈયાર કરાયેલ છે : સુપ્રીમ કોર્ટ

Recent Comments