(એજન્સી) નવી દિલ્હી,તા.ર૭
રામજન્મભૂમિ બાબરી મસ્જિદ મામલામાં થઈ રહેલ સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે જમીનની માલિકીને લઈ હિન્દુ પક્ષકાર નિર્મોહી અખાડા રામલલ્લા વિરાજમાનની અરજીનો બિનજરૂરી રીતે વિરોધ કરી રહ્યા છે.
સીજેઆઈ રંજન ગોગોઈના નેતૃત્વવાળી પાંચ જજોની બંધારણિય બેન્ચે અખાડા દ્વારા કરાયેલ રજૂઆતની આલોચના કરી. એમણે કહ્યું હતું કે ઉપાસક હોવાના લીધે ફકત એમની જ અરજી જ વિચારણા યોગ્ય છે અને દેવકી નંદન અગ્રવાલ દ્વારા રામલલ્લા વિરાજમાન તરફે દાખલ થયેલ અરજી બાબતે વિચારણા ન કરવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું તમારા (અખાડા) દાવા અને વાદી નંબર-૧ (રામલલ્લા) દ્વારા દાખલ થયેલ દાવા વચ્ચે કોઈ વિવાદ જ નથી. જો વાદી (રામલલ્લા)ના દાવાને ગ્રાહ્ય રાખવામાં આવે છે તો ઉપાસકના રૂપે તમારો અધિકાર ચાલુ રહે છે. કોર્ટે કહ્યું તમે (અખાડા) પોતાના પુજા કરવાના અધિકાર બાબત સ્વતંત્ર રીતે દાવા કરી શકો છો. તમે વિરોધાભાસી ક્ષેત્રમાં બિનજરૂરી પ્રવેશ કરી રહ્યા છે. જયાં તમને જવાની જરૂર જ નથી. એ સુન્ની વકફ બોર્ડનું કાર્ય છે. કોર્ટે નિર્મોહી અખાડા તરફે હાજર રહેલ વકીલ સુશીલ જૈનને પૂછયું કે જો રામલલ્લાની અરજી રદ કરવામાં આવે તો તમે કયાં ઉપાસના કરશો ? શું તમે મસ્જિદમાં ઉપાસના કરી શકશો ? જો તમારો દાવો સફળ થાય તો એ દેવતા વિરૂદ્ધ થશે. બેંચે કહ્યું કે તમે અખાડા તરફે કાલે વલણ સ્પષ્ટ કરો કે શું તમે રામલલ્લા તરફે દાખલ થયેલ દાવાને રદ કરવા હજુ માંગણી કરો છો ?