(એજન્સી) તા.ર૮
અયોધ્યામાં આવેલી બાબરી મસ્જિદ વિશેનો ર૬ વર્ષ જૂનો વિવાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો છે. ઈરાકના ટોચના શિયા ધર્મગુરૂ આયાતોલ્લાહ અલી અલ-સિસ્તાની અને સમગ્ર વિશ્વના શિયા મુસ્લિમોના સત્તાવાર ધર્મગુરૂ ગણવામાં આવે છે. તેમણે બાબરી મસ્જિદ વિશે જાહેર કરેલા ફતવામાં સ્પષ્ટરીતે કહ્યું છે કે, મંદિર કે અન્ય કોઈ ધર્મસ્થાન બનાવવા માટે વકફની સંપત્તિ ન આપી શકાય. ઈરાકના નજફમાં આવેલા શિયા મદ્રેસાના પ્રમુખપદે રહેલા સિસ્તાનીએ કાનપુરના શિક્ષણવિધ ડૉ.મઝહર નકવીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં આ ફતવો આપ્યો હતો. સિસ્તાનીએ દલીલ કરી હતી કે એક શિયા શાસકે બાબરી મસ્જિદ બંધાવી હતી આથી તે શિયા સમુદાયની વકફ સંમતિ છે. સિસ્તાનીના આ ફતવાથી મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા શિયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ કહ્યું હતું કે તેઓ તેમના જ ધર્મગુરૂની વાત માનવા માટે બંધાયેલા નથી.