(એજન્સી) અયોધ્યા, તા.પ
અયોધ્યામાં ધાર્મિક સૌહાર્દ જાળવી રાખતા સરયુકુંજ સ્થિત પ૦૦ વર્ષ જૂના મંદિરમાં સોમવારે પવિત્ર રમઝાન માસમાં રોઝા ઈફતારનું આયોજન કરવામાં આવ્યું. આ મંદિર વિવાદીત રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ નજીક સ્થિત છે. અહેવાલ મુજબ સરયુકુંજ સ્થિત મંદિરમાં આયોજિત ઈફતાર પાર્ટીમાં સામાન્ય લોકોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતા. મહંત જુગલ કિશોર શરણે જણાવ્યું કે, આ પગલાં પાછળ કોઈ રાજનૈતિક ધ્યેય નથી. તેમણે કહ્યું કે, અયોધ્યાથી દુનિયાને શાંતિનો સંદેશ આપવા માંગે છે. ઈફતાર બાદ મુસ્લિમ બિરાદરોએ મંદિર પરિસરમાં જ મગરીબની નમાઝ અદા કરી હતી. આ અગાઉ કોમી હિંસા વિરૂદ્ધ એક સેમિનારનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંગે એક પંડિતે જણાવ્યું કે, બંને સમુદાયો વચ્ચે રહેલ અંતર દૂર કરવાના પ્રયાસ કરવા જોઈએ. મુસ્લિમો માટે ઈફતારનું આયોજન છે. બંને સમુદાયને નજીક લાવવાનો સારો અવસર છે. ઈફતાર કાર્યક્રમમાં ભાગ લેનાર ઉર્દૂ શાયર મુઝમ્મિલે કહ્યું કે, અયોધ્યામાં લઘુમતી હોઈને પણ ક્યારેય ડર લાગ્યો નથી. હિંદુ ભાઈઓનો આભાર માનતા તેમણે કહ્યું કે, તેમણે ક્યારેય કોઈ ખતરાથી હેરાન થવા દીધા નથી.