લખનઉ, તા. ૮
પહેલીવાર ઇન્ડોનેશિયામાંથી ડઝન જેટલા મુસ્લિમ કલાકારો રામલીલાના દૃશ્યો ભજવવા માટે લખનઉ અને અયોધ્યામાં આવીને દર્શકોને અભિભૂત કરશે. ઉત્તરપ્રદેશના ધાર્મિક બાબતો અને સાંસ્કૃતિક મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે, ૧૩થી ૧૫મી સપ્ટેમ્બર સુધી અયોધ્યા અને લખનઉમાં રામાયણના દૃશ્યો ભજવવા માટે ઇન્ડોનેશિયામાંથી રામલીલા સમિતિ આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ તમામ કલાકારો મુસ્લિમ છે. તેઓ માંસાહાર પણ કરતા નથી અને હિંસાના કોઇ પણ રૂપને માનતા નથી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં આ પ્રકારની રામલીલા પહેલીવાર મનાવાશે. આ કલાકારો ૧૩મી સપ્ટેમ્બરે લખનઉમાં અને ૧૫મીએ અયોધ્યામાં રામલીલા ભજવશે. તેમણે કહ્યું કે, સરકાર સાંસ્કૃતિક સમન્વયનો સંદેશ આપવા માગે છે. ઇન્ડોનેશિયા મુસ્લિમ દેશ હોવા છતાં તેઓને રામલીલા સામે કોઇ વાંધો નથી. અયોધ્યામાં અવધ યુનિવર્સિટીના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ રાખવામાં આવશે. યુનિવર્સિટીના ઉપ કુલપતિ પ્રોફેસર મનોજ દિક્ષિતે જણાવ્યું હતું કે, આનાથી ઘણી બાબતો શીખવા મળે છે અને ઇન્ડોનેશિયા સાથે રામલીલાનો મજબૂત સાંસ્કૃતિક નાતો છે.