(એજન્સી) અયોધ્યા,તા. ૧૮
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિવાળીની ઉજવણી આજે ખુબ જ શાનદારરીતે અયોધ્યામાં કરી હતી. યોગી આદિત્યનાથના નેતૃત્વમાં અયોધ્યા ત્રેતાયુગ જેવી દિવાળી કળયુગમાં પણ ઉજવાઈ હોવા માટે સાક્ષી બની હતી. અયોધ્યામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને લોકો ભેગા થયા હતા. યોગીની આ દિવાળીને લઇને રાજકીયરીતે ખુબ મહત્વ છે. જે રીતે ત્રેતાયુગમાં ભગવાન રામના આગમન પર દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી તેવી જ રીતે આજે આ ઉજવણી કરવામાં આવી હતી. સરયુ નદીના કિનારે અયોધ્યાને જોરદાર શણગારવામાં આવ્યું હતું. અયોધ્યામાં શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે સાંજે સરયુ નદીના કિનારે રામની પેઢીમાં ૧૭૧૦૦૦ દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા જે એક વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો. સાથે સાથે અન્ય તમામ ઘાટ ઉપર દિપ પ્રગટાવવામાં આવ્યા હતા. આ દૂરથી જોવામાં આકાશમાં વિખરાયેલા તારલાઓ જેવું દેખાયું હતું. નજારાને જોવા માટે લાખો લોકો ભેગા થયા હતા. નવા ઘાટ ઉપર સાંજે લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્રેતાયુગની આ ખાસ દિવાળીમાં પુષ્પક વિમાન પણ રાખવામાં આવ્યું હતું. રામ અને સીતા લક્ષ્મણ સાથે હેલિકોપ્ટરથી પહોંચ્યા હતા. સાથે સાથે રામના રાજ્યાભિષેક વેળા રથ, સૈનિકો પણ રહ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તિલક લગાવીને ભગવાન શ્રીરામનું સ્વાગત કર્યું હતું. શોભાયાત્રા દરમિયાન હેલિકોપ્ટરથી ફુલની વર્ષા પણ કરવામાં આવી હતી. ત્રેતાયુગની દિવાળીની મજા માણવાના હેતુસર આ તમામ આયોજન કરવામાં આવ્યું હતું. યોગી આદિત્યનાથે આનું નેતૃત્વ કર્યું હતું. આ ગાળા દરમિયાન રાજ્યપાલ રામ નાયક, યોગી કેબિનેટના મોટા પ્રધાનો, કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન રામના સ્વાગત માટે અયોધ્યામાં વિશેષ આયોજન કરાયું હતું. રામાયણના દ્રશ્યો દર્શાવવા માટે ઝાંખી રજૂ કરાઈ હતી જેમાં ૨૨ રાજ્યો અને ઉત્તર પ્રદેશના ત્રણ ક્ષેત્રોના કલાકારો જોડાયા હતા. રામકથા પાર્કમાં મુખ્યમંત્રી પોતે ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન રામ અને સીતા લોકોની વચ્ચે આવ્યા હતા. આ ભવ્ય આયોજનની સાથે સાથે યુપી સરકાર અન્ય કેટલાક પ્રોજેક્ટોને પણ આગળ વધારનાર છે. દિપોત્સવ પ્રસંગમાં લાખો લોકો એકત્રિત થયા હતા. સરયુ નદીના કિનારે ભવ્ય આરતીમાં મુખ્યમંત્રી પણ જોડાયા હતા. શોભાયાત્રા અને અયોધ્યામાં દિવાળીની ઉજવણીને લઇને છેલ્લા કેટલાક દિવસથી તૈયારી ચાલી રહી હતી. આના માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે સક્રિયરીતે રસ લઇ રહ્યા હતા.