(એજન્સી) ગુવાહાટી,તા.ર૬
આસામ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો.૧૦ની પરીક્ષા ર૦૧૮નું શુક્રવારે પરિણામ જાહેર થયું. આસામ માધ્યમિક શિક્ષણ બોર્ડ (એસઈબીએ) દ્વારા લેવાયેલ ધો.૧૦ની પરીક્ષામાં ગરીબ પરિવારની મુસ્લિમ વિદ્યાર્થિની સુલ્તાના આયશા સિદ્દીકી ટોપર બની છે. આયશા સિદ્દીકીએ કુલ ૬૦૦માંથી પ૯૧ ગુણ મેળવીને રાજ્યમાં ત્રીજા નંબરનું સ્થાન હાંસલ કર્યું છે. એસઈબીએના ધો.૧૦ની ર૦૧૮ની પરીક્ષાનું કુલ પરિણામ પ૪.૪૬ ટકા આવ્યું છે. પરીક્ષામાં કુલ ૧,૭પ,૯૭૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ૯પ૮૧૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે. બોર્ડ મુજબ ૩૧,પ૬ર વિદ્યાર્થીઓ પ્રથમ શ્રેણીમાં, ૪૧,૧૯પ વિદ્યાર્થીઓ દ્વિતીય અને કુલ રર,૯પ૬ વિદ્યાર્થીઓ ત્રીજી શ્રેણીમાં પાસ થયા છે. આ પરીક્ષામાં રાકીમ ભુયાન પ૯૩ ગુણ સાથે પ્રથમ અને અબિનાશ કાલિતા અને પ્રીતેપલ બેજબરૂઆ બીજા સ્થાન પર છે. બંનેએ પ૯ર ગુણ મેળવ્યા છે. જ્યારે સુલ્તાના આયશા પ૯૧ માર્ક સાથે ત્રીજા નંબરનું સ્થાન હાંસલ કર્યું છે.