સુરત, તા.ર૭
આજરોજ બારડોલી વિધાનસભા મતવિસ્તારના ખેડૂત આગેવાનો તેમજ પિયત મંડળીના પ્રમુખોની ઉપસ્થિતિમાં પલસાણા તાલુકાના વડદલા મુકામે સહકારી મંડળીના મકાનમાં એક બેઠક મળી. ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ જયેશ પટેલ (પાલ)ની આગેવાનીમાં યોજાયેલ આ બેઠકની શરૂઆતમાં અમરનાથ યાત્રાના આતંકી હુમલાનો ભોગ બનનારને શ્રદ્ધાંજલિ તેમજ બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં વરસાદે સર્જેલી તારાજીને પગલે મોતને ભેટનાર મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ પ્રસંગે ખેડૂત અગ્રણી બિપિન દેસાઈ(દેલાડવા) એ સુગરમીલો પર લાદેલ ઈન્કમટેક્ષનો મુદ્દો ઉઠાવી ઉકેલવા ખેડૂતોએ સંગઠન થઇ સરકાર સામે લડત આપવા અનુરોધ કર્યો હતો. પર્યાવરણવાદી હેમંતભાઈ (બલેશ્વર)એ પલસાણા તાલુકામાં સ્થપાયેલ ઉદ્યોગોની આંકડાકીય માહિતી ખેડૂતો અને આગેવાનો સમક્ષ મૂકી ઉદ્યોગોને કાયમી ધોરણે બંધ કરાવવા જોઈએ એવી એક માંગણી મૂકી હતી.
આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયત સદસ્ય અને સહકારી આગેવાન દર્શન નાયકે જણાવ્યું કે, રાજકીય કે સહકારી આગેવાન હોય ચૂંટાયેલ પ્રતિનિધિ હોય પણ એ પહેલા ખેડૂતના દીકરા છે. ત્યારે ખેડૂતો વિકટ પરિસ્થિતિમાં હોય તો બાજુમાં ઉભા રહેવાની સૌ કોઈની ફરજમાં આવે છે. સંગઠન હશે તો સરકાર પણ હલી શકે છે. ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ જયેશ પટેલે(પાલ) જણાવ્યું કે, ખેડૂતોની હાલની જે પરિસ્થિતિ છે એ આઝાદીના સમયે પણ નહોતી.૧૯૯૨થી ખેડૂતો સહિત આખા દેશની સ્થિતિ કથળી રહી છે. ભારતની પડતીની શરૂઆત થઇ છે. ખેડૂતોને મકાનમાંથી ઝૂંપડપટ્ટીમાં રહેતો કરવા અને ભારત દેશ ઉદ્યોગપતિઓને હવાલે કરવા સરકારનું કાવતરૂં હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. સરકાર દેશમાં કુલ ૧૮ કોરિડોર પસાર કરી ખેડૂતોની મહામૂલી જમીન હડપવા જઈ રહી હોય આગામી નવમી ઓગસ્ટના રોજ ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ ઉપર આવેલ તલાસણી ખાતે યોજાનાર ખેડૂત મહાસંમેલનમાં ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે પલસાણા તાલુકા પંચાયતના સદસ્યો હેમંત પટેલ, ગુલાબ રાઠોડ, ઉકા રાઠોડ, ઇસ્માઇલ આબોવત, ચલથાણ સુગરના ડિરેકટરો હેમંત દેસાઈ અને રમેશ પરમાર, સહકારી આગેવાન ભરત દેસાઈ, માવજી પરમાર, ભાવિન ચૌધરી(બારડોલી), યુવા કોંગી અગ્રણી ધર્મેન્દ્ર સોલંકી, વડદલા ગામના ડેપ્યુટી સરપંચ જનક પટેલ સહિતના સહકારી તેમજ ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આભારવિધિ ઝીણાભાઈ સુરતી એ કરી હતી.