અમદાવાદ, તા.૨
અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આજે અભડાય છે ગુજરાતના શીર્ષક હેઠળ દલિત મહાસંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં દલિત સમાજના લોકો ઉમટી પડયા હતા. મહાસંમેલનમાં દલિત આગેવાનોએ વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો મારતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં દલિતો પરના અત્યાચારનો વિકાસ વધ્યો છે, પરંતુ દલિતો તેને સાંખી નહી લે. ગુજરાતના દલિત ધારાસભ્યો આભડછેટ નાબૂદી માટે કામ કરે તેવું સોગંદનામું આપે તો જ દલિતસમાજ તેઓને મત આપશે. મહાસંમેલનમાં આણંદના બોરસદમાં દલિત યુવકની જાહેરમાં હત્યા અને ગાંધીનગરમાં દલિત યુવક પરના અત્યાચારના બનાવોને ઉગ્ર શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યા હતા. દલિતો પરના અત્યાચારના વિરોધમાં દલિત સમાજ દ્વારા આગામી દિવસોમાં આશ્ચર્યજનક વિરોધ કાર્યક્રમો આપવાની પણ જાહેરાત કરાઇ હતી. આગામી દિવસોમાં ગાંધીનગરથી ૧૦૦૦ દલિત યુવકોની યાત્રા નીકાળી ઉપરોકત બનાવો સંદર્ભે જોરદાર વિરોધ વ્યકત કરાશે. સાથે સાથે ભાજપના અનુસૂચિત જાતિ મોરચાની બંધારણ યાત્રામાં પણ ગામેગામ મનુસ્મૃતિ આપી વિરોધ વ્યકત કરવામાં આવશે. અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આજનું સમગ્ર મહાસંમેલન આભડછેટ મુકત ભારત આંદોલન ૨૦૪૭ નેજા હેઠળ યોજાયુ હતું. મહાસંમેલનમાં દલિત કર્મશીલ માર્ટીન મેકવાન, ગગન શેટ્ટી, સિધ્ધાર્થ પરમાર, પૂર્વ ધારાસભ્ય ઉત્તમભાઇ પરમાર, કીરીટ રાઠોડ અને કાંતિ પરમાર સહિતના દલિત આગેવાનો હાજર રહ્યા હતા. આ દલિત મહાનુભાવોએ દલિત સમાજને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આઝાદીના આટલા વર્ષો બાદ પણ આભડછેટનું દૂષણ નાબૂદ થયું નથી. દલિત સમાજે પેટાજ્ઞાતિ નાબૂદી કરવી પડશે અને આભડછેટમાંથી મુકિત માટે ડો.બાબાસાહેબ આંબેડકરે ચીંધેલ માર્ગે ધર્મ પરિવર્તન કરી બૌધ્ધ ધર્મ અંગીકાર કરવો પડશે. ગુજરાતમાં થયેલો વિકાસ દલિત અને આદિવાસીથી અભડાય છે. દલિત સાથે આભડછેટમાં વિકાસ દેખાય છે. દલિતો પરના અત્યાચારના બનાવોમાં વિકાસ થયો છે. જે પક્ષ આભડછેટ નાબૂદીની વાત ન કરે તેને ૨૦૧૭ ચૂંટણીમાં જાકારો આપો.