(એજન્સી) લખનઉ, તા. ૧૫
ઉત્તરપ્રદેશના રામપુર લોકસભા મતવિસ્તારમાંથી સપા-બસપા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર આઝમખાનના કથિત નિવેદનને લઇ ફરિયાદ દાખલ થઇ છે. રામપુર જિલ્લા અધિકારી આજેન્ય કુમાર સિંહે સોમવારે સત્તવાર રીતે જણાવ્યું હતું કે, આઝમ ખાન વિરૂદ્ધ આઇપીસીની કલમ ૫૦૯(કોઇ સ્ત્રીની મર્યાદાનો અનાદર કરવાના આશયથી અશ્લિલ શબ્દ બોલવા અથવા તેવા હાવભાવ પ્રગટ કરવા) અને કેટલીક અન્ય કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આઝમખાનના આ નિવેદનને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીની નીચલી કક્ષાની વિચારાધારા દર્શાવી છે જ્યારે ભાજપના ઉમેદવાર જયા પ્રદાએ જણાવ્યું હતું કે, આઝમખાને લક્ષ્મણ રેખા પાર કરી લીધી છે અને હવે આઝમ તેમના ભાઇ નથી. ઉલ્લેખનીય છે કે, સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી આઝમખાને રવિવારે પોતાની વિરૂદ્ધ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદા વિરૂદ્ધ અમર્યાદિત નિવેદન આપ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયો અનુસાર આઝમખાને પોતાના ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે, ‘‘રામપુરવાળા, ઉત્તરપ્રદેશવાળા, હિંદુસ્તાનવાળા, તેમની અસલિયત સમજવામાં તમને ૧૭ વર્ષ લાગી ગયા પણ હું ૧૭ દિવસમાં ઓળખી ગયો કે તેમની નીચેનો જે અંડરવેર છે તે ખાખી રંગનો છે. આઝમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જોકે, આઝમે કહ્યું હતું કે, તેમણે ભાષણમાં કોઇનું નામ લીધું નથી અને કોઇનું નામ લીધું હોય તો તેઓ ચૂંટણી લડશે નહીં. મેં કોઇનું નામ લીધું નથી, કોઇનાથી નારાજગી દર્શાવી નથી અને કોઇની ટીકા કરી નથી. જોે કોઇ સાબિત કી દે કે મેં કોઇનું નામ લીધું છે, નામ લઇને કોઇનું અપમાન કર્યું છે તો હું ચૂંટણીથી હટી જઇશ. જયાપ્રદાએ આઝમના નિવેદનની નિંદા કરતા કહ્યું કે, હવે હું તેમને ભાઇ માનતી નથી. હવે જનતા બતાવશે, લોકો મહિલાઓને પૂજે છે, આ વ્યક્તિ શું કરી રહ્યો છે, આને ચૂંટણી લડવાનો અધિકાર નથી. હું ચૂંટણી પંચને અપીલ કરૂં છું કે, તેને ચૂંટણી લડવાથી રોકવામાં આવે. અખિલેશ યાદવે પણ આવા નેતાને હાંકી કાઢવો જોઇએ.
મુલાયમની પુત્રવધૂ અપર્ણા યાદવની આઝમખાન સામે પગલાં લેવા અખિલેશને માગણી
સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાનના નિવેદન અંગે મુલાયમ પરિવારની પુત્રવધુ અપર્ણા યાદવે કહ્યું છે કે, અખિલેશ ભૈયાએ કોઇ પગલાં લેવા જોઇએ. તેમણે કહ્યું કે પાર્ટીની છબિ હોય છે અને આટલા મોટા નેતાએ આવું નિવેદન આપવું જોઇએ નહીં. અપર્ણા યાદવે આઝમખાનના નિવેદનની નિંદા કરી હતી અને કહ્યું હતું કે ચૂંટણી પંચે આ અંગે કાર્યવાહી કરવી જોઇએ. બીજી તરફ સુષ્મા સ્વરાજે ટિ્વટ કરીને મુલાયમસિંહ યાદવને આઝમખાનની ફરિયાદ કરી છે. ટિ્વટમાં તેમણે સમાજવાદી પાર્ટીની મહિલા નેતાઓને પણ ટેગ કર્યા છે.
અભદ્ર ટિપ્પણી બદલ આઝમખાનને મહિલા પંચે નોટિસ મોકલી
વાંધાજનક નિવેદનો બદલ આઝમખાન ચારે તરફથી ઘેરાયા છે. આઝમખાન સામે જયાપ્રદા વિરૂદ્ધ અભદ્ર ટીપ્પણી બદલ ફરિયાદ દાખલ થઇ છે જ્યારે રાષ્ટ્રીય મહિલા પંચે પણ નિવેદનને ધ્યાને લેતાં આઝમને નોટિસ ફટકારી છે. સપાના દિગ્ગજ નેતા અને અનેકવાર ધારાસભ્ય રહી ચૂકેલા આઝમખાન આ પહેલા પણ પોતાના નિવેદનો માટે ચર્ચામાં રહ્યા છે. આ વખતે તેમણે સપામાંથી ભાજપમાં ગયેલા અને પોતાની વિરૂદ્ધ રામપુરમાંથી લોકસભા ચૂંટણી લડી રહેલા જયાપ્રદા વિરૂદ્ધ વાંધાજનક ટીપ્પણી બદલ ઘેરાયા છે. રવિવારના રોજ આઝમે જયાપ્રદા વિરૂદ્ધ બીજીવાર આપત્તિજનક ટીપ્પણી કરી હતી.
Recent Comments