(એજન્સી) રામપુર, તા. ૨૯
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને જણાવ્યું છે કે, તેમના કહેવા મુજબ તાજમહેલ શિવ મંદિર છે અને તેને તોડી પાડવામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અમારૂં સમર્થન છે. આઝમ ખાને ટોણો મારતાં જણાવ્યું હતું કે, તાજમહેલ એક શિવમંદિર છે જે યોગી અને અન્ય લોકોએ અમને કહ્યું હતું. હું એવા મુસ્લિમોમાં સામેલ છું જે યોગી સાથે છે અને અમે વધુ ૧૦-૨૦ હજાર એવા મુસ્લિમોને લઇ આવીશું જેઓ તાજમહેલ તોડવામાં મદદ કરશે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આઝમ ખાને જણાવ્યું હતું કે, લાલ કિલ્લો, સંસદ ભવન અને રાષ્ટ્રપતિ ભવન સહિત તાજમહેલ પણ ગુલામીની નિશાની છે. ઓક્ટોબરમાં જ તાજમહેલના પ્રાંગણમાં કેટલાક યુવકો શિવ ચાલીસાનો પાઠ કરતા દેખાતાં વિવાદ સર્જાયો હતો.
આ પહેલાં ભાજપના સાંસદ વિનય કટિયાર પણ આ કૃત્યના સમર્થનમાં આવ્યા હતા અને કહ્યું હતું કે, આ બાબતને વખોડી શકાય નહીં કારણ કે, એવા ઘણા સંકેત છે જેમાં જાણવા મળે છે કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ તાજમહેલ ખરેખર શિવ મંદિર છે. વિશ્વ માટે તાજમહેલ પ્રેમની નિશાની છે. સ્થાપત્ય કળા અને જાણકારો તેને સ્થાપત્યનું અનુપમ ઉદાહરણ માને છે. રાજકારણીઓ તેને સન્માન અને રાજનીતિના વિષય માને છે. આ માન્યતાઓ વચ્ચે યમુનાના કિનારે આવેલો તાજમહેલ આશરે ૩૫૦ વર્ષથી કેટલીક રાજકીય ઉથલ પાથલનો સાક્ષી બન્યો છે. ઉત્તરપ્રદેશના પર્યટન વિભાગના પુસ્તકમાંથી ગયા વર્ષે તાજમહેલનું નામ ગાયબ થવા સામે સમાજવાદી પાર્ટીએ યોગી સરકારને ઘેરી હતી. આ મામલે આઝમખાને કહ્યું છે કે, જો યોગીજી તાજમહેલ તોડવામાં પહેલ કરશે તો તેઓ તેમને સમર્થન કરશે. ઉલ્લેખનીય છે કે, યુપીમાં ઘણા હિંદુવાદી સંગઠનોનું માનવું છે કે, તાજમહેલ હતું જ નહીં અને તે શિવ મંદિર હતું જેને મુસ્લિમ આક્રમણકારીઓએ તોડી પાડી પ્રેમની નિશાનીના નામે મકબરો બનાવી દીધો છે.