(એજન્સી) તા.ર૦
દેશના વિવિધ ભાગોમાંથી મોબ લિંચિંગ અંગે રામપુરથી સાંસદ આઝમખાને એક મોટું નિવેદન આપ્યું છે. આઝમખાને જણાવ્યું છે કે મુસ્લિમોને ૧૯૪૭થી લઈને આજ સુધી પાકિસ્તાન ના જવાની સજા મળી રહી છે. સમાચાર મુજબ આઝમખાને જણાવ્યું કે જે પણ થશે મુસ્લિમોએ તેને ચુકવવું પડશે. પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા આઝમખાન અહીં જ અટક્યા નહિઅને સાથે જ જણાવ્યું કે અમારા પૂર્વજ પાકિસ્તાન કેમ ના ગયા ? આ પ્રશ્ન આઝાદ જવાહરલાલ નહેરૂ, સરદાર પટેલ અને બાપુને પૂછો. તેમણે મુસ્લિમોને વચન આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, દેશમાં સરકારો મજબૂત છે અને મુસ્લિમો નબળા છે. આ જ કારણ છે કે અમને ૧૯૪૭ પછીથી ખૂબ જ અપમાનભર્યું જીવન પસાર કરવું પડ્યું છે. જો મુસ્લિમ પાકિસ્તાન જતા રહેતા તો તેમને આ સજા ના મળતી. મુસ્લિમો અહીં છે તો છે, સજા તો ભોગવશે. જણાવી દઈએ કે રામપુરથી પ્રથમ વખત ચૂંટાઈને સંસદ પહોંચેલા આઝમખાન માટે થોડાક દિવસ ખૂબ જ મુશ્કેલીભર્યા પસાર થયા. તેમને જમીન માફિયા જાહેર કરતા જમીન અતિક્રમણ અંગે તેમની વિરૂદ્ધ ર૩ એફઆઈઆર દાખલ થઈ છે. આઝમખાને તેને પોતાની વિરૂદ્ધ ષડયંત્ર બતાવતા ભાજપ પર આરોપ લગાવ્યો કે જ્યારથી તેમણે ભાજપની વિરૂદ્ધ ચૂંટણી જીતી છે ત્યારથી તેમને સજા આપવામાં આવી રહી છે.