(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
આર્થિક રીતે નબળા ઉચ્ચ વર્ગ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત ૧૦ ટકામાંથી પાંચ ટકા અનામત મુસ્લિમોને ફાળવવા માટે સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાને માગ કરી છે. દરમિયાન તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ પણ મુસ્લિમો અને અનુસૂચિત જનજાતિઓને સમાવિષ્ટ કરતી જનરલ કેટેગરીમાં આર્થિક રીતે પઠાત વર્ગના લોકો માટે ૧૦ ટકા અનામત પુરી પાડવા પ્રસ્તાવિત સુધારા બિલ રજૂ કરવાની માગ કરી છે.
આઝમખાને કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત ૧૦ ટકામાંથી પાંચ ટકા ક્વોટા મુસ્લિમો માટે હોવો જોઇએ. પ્રસ્તાવિત અનામત ઉચ્ચ જાતિના આર્થિક નબળા વર્ગ માટે છે જોકે, આજે મુસ્લિમોની આર્થિક, નાણાકીય અને સામાજિક સ્થિતિ દલિતો કરતા પણ વધુ કફોડી છે. અમે પહેલાપણ માગ કરી હતી કે, મુસ્લિમોને દલિત કેટેગરીમાં લાવવામાં આવે જેથી તેમને પણ દલિતો જેવા લાભો મળી શકે. પરંતુ રાજકીય કારણોસર તેમ ના થઇ શક્યું. હવે અમે સરકારના ૧૦ ટકા અનામતમાંથી પાંચ ટકા મુસ્લિમો માટે માગી રહ્યા છીએ. એક દશક પહેલા સાચર કમિટીએ પણ મુસ્લિમોને અનામત આપવાની ભલામણ કરી હતી. બીજી તરફ તેલંગાણા રાષ્ટ્ર સમિતીના પ્રમુખ અને મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે પાર્ટીના સાંસદોને સંસદમાં આ બિલ મુકવામાં આવે ત્યારે પોતાની માગ મુકવા જણાવ્યું હતું. કેસીઆર નામે જાણીતા રાવે યાદ અપાવ્યું કે, પછાત મુસ્લિમો માટે ૧૨ ટકા અને એસટી માટે ૧૦ ટકા અનામતનો ઠરાવ વિધાનસભામાં અમે પસાર કરી દીધો છે અને આ બાબત કેન્દ્ર સરકારને મોકલી છે. આ ઠરાવ સંસદમાં મુકવામાં આવે. કેસીઆરે પોતાના સાંસદોને કહ્યું છે કે, જો સરકાર તેમના અનામતનું બિલ મુકે ત્યારે પછાત મુસ્લિમો અને એસટી માટે અનામતની માગ તેઓ સંસદમાં કરે.