(એજન્સી) હૈદરાબાદ, તા.ર૦
ભારતના પૂર્વ ક્રિકેટ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં અધ્યક્ષ પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું છે જે તેની ચૂંટણી ૨૭ સપ્ટેમ્બરે કરાવશે. બે વર્ષ પહેલા મોહમ્મદ અઝહરૂદ્દીનનો ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીએ એ આધારે રદ કર્યો હતો કે, તે બીસીસીઆઇ દ્વારા મેચ ફિક્સિંગમાં કથિત સંડોવણી બદલ લગાવાયેલા પ્રતિબંધ હટાવવાના પૂરાવા રજૂ કરી શક્યા ન હતા. તેમણે બુધવારે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર વીએસ સમ્પતને પોતાનો ઉમેદવારી પત્ર સોંપ્યો હતો. અઝહરે સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, હું દરેક પાસેથી સલાહ લઇને ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે કામ કરવા માગું છું. હું ક્રિકેટના વિકાસ માટે જિલ્લાઓમાં પણ કાંઇ કરવા માગું છુું. અધ્યક્ષ પદ માટે પૂર્વ ક્રિકેટ અધ્યક્ષ પીઆર માનસિંહના પુત્ર વિક્રમ માનસિંહે પણ ઉમેદવારી કરી છે. અજમલ અસદ(સચિવ પદ), પી શ્રીનિવાસન(સંયુક્ત સચિવ), જી શ્રીનિવાસ(કોષાધ્યક્ષ) અને પી અનુરાધા(પરિષદ સભ્ય)એ પણ ઉમેદવારી કરી છે.