બેંગ્લુરૂ, તા. ૧૦
ભારતીય ક્રિકેટની દિવાલ તરીકે જાણીતા રાહુલ દ્રવિડે દોઢ દાયકાથી વધુ સમય સુધી ભારતીય ક્રિકેટમાં સ્થાન જમાવી રાખ્યું હતું. વર્ષ ૨૦૧૨માં રાહુલ દ્રવિડે અન્ય પ્રતિભાશાળી ક્રિકેટરોને સ્થાન આપવા માટે નિવૃત્તિ લીધી હતી પરંતુ તેનો પુત્ર પોતાને મોટા સ્થાને લઇ જવા માટે તૈયારી કરી રહ્યો છે. કર્ણાટક ક્રિકેટ એસોસિએશન તરફથી રમતા અંડર-૧૪માં રાહુલ દ્રવિડના પુત્ર સમિતે માલ્યા અદિતી ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી મેચવિનિંગ ઇનિગ રમતા વિવેકાનંદ સ્કૂલ સામે ૪૧૨ રનના વિજયમાં મહત્વનો ફાળો આપ્યો હતો. ટીમના વિજયમાં સમિતે ૧૫૦ રનની ઇનિંગ રમી હતી. સમિતે તેના પિતાના જન્મદિવસના એક દિવસ પહેલા જ આ સદી ફટકારી છે. અંડર-૧૯ ટીમના કોચ રાહુલ દ્રવિડ હાલ વર્લ્ડ કપ માટે ન્યૂઝીલેન્ડમાં છે. પિતાના માર્ગે ચાલનારો સમિત એકલો જ નથી પરંતુ ભારતના પૂર્વ ક્રિકેટર સુનિલ જોશીનો પુત્ર આર્યન જોશીએ પણ ૧૫૪ રન ફટકાર્યા હતા અને સમિત સાથે શાનદાર ભાગીદારી કરી ટીમના સ્કોરને ૫૦ ઓવરમાં ૫૦૦ રન સુધી પહોંચાડી દીધો હતો. જોશી ટીમમાં ટોપ સ્કોરર રહ્યો હતો. સમિત અને આર્યનની ફટકાબાજી બાદ બોલરોએ જોરદાર દેખાવ કરતા વિરોધી ટીમને ૮૮ રનમાં જ ઓલઆઉટ કરી દીધી હતી. સમિત ૨૦૧૫માં ગોપાલન ક્રિકેટ ચેલેન્જ ટૂર્નામેન્ટમાં બેસ્ટ બેટ્‌સમેન જાહેર થયો હતો.