ચંદીગઢ, તા. ૨૫
બે મહિલાઓ પર વર્ષ ૨૦૦૨માં રેપનો આરોપી આદ્યાત્મિક ધર્મગુરૂ બાબા ગુરમિત રામ રહીમને કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ હરિયાણાના પંચકુલા શહેરમાં ચારેતરફ હિંસા ભડકી ઉઠી હતી જેમાં ૩૦ જેટલા લોકો મોતને ભેટ્‌યા હતા જ્યારે ૨૫૦થી વધુ લોકો ઘવાયા છે. માર્ગો પર ઉતરી આવેલા સમર્થકોએ ફાયરિંગ, પથ્થરમારો, આગચંપી જેવી ઘટનાઓને મોટાપાયે અંજામ આપતા રાજ્ય સરકારે પોલીસ અને સેનાને સાબદી કરી દીધી હતી પરંતુ હરિયાણાની રાજ્ય સરકાર હિંસક લોકોને કાબૂમાં લેવામાં સદંતર નિષ્ફળ નિવડી હતી જેના પરિણામે રેલવે સ્ટેશનોને આગને હવાલેે કરી દેવાયા, સરકારી વાહનોમાં તોડફોડ અને આગચંપી કરાઇ, દુકાનો અને મીડિયાની ગાડીઓને પણ હિંસક ટોળાઓએ નિશાન બનાવ્યા હતા. રામ રહીમને દોષિત જાહેર કરાયા બાદ હરિયાણા સહિત તેના સમર્થકો પંજાબ અને દિલ્હીમાં પણ માર્ગો પર ઉતરી આવ્યા હતા અને હિંસા ભડકાવી હતી. હરિયાણા, દિલ્હી અને પંજાબમાં ટ્રેનો સળગાવવાના પણ બનાવો બન્યા હતા જ્યારે પંજાબમાં એક રેલવે સ્ટેશનને સળગાવવાનો પ્રયાસ કરાયો હતો.
ગુરમિત રામ રહીમની ચુકાદા બાદ ધરપકડ કરી લેવામાં આવી છે અને સોમવારે સજા સંભળાવવામાં આવશે. રામ રહીમના સમર્થક ટોળાઓને કાબૂમાં લેવા માટે પોલીસે હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી જ્યારે પાણીના મારાનો પણ ઉપયોગ કરાયો હતો તેમ છતાં ચુકાદા બાદ સમર્થકોના ટોળે ટોળા કોર્ટ પરિસર સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. એક લાખથી વધુ સમર્થકો ચુકાદા સમયે કોર્ટ બહાર એકઠા થયા હતા અને ભયાનક સ્થિતિ સર્જાઇ હતી. આ દરમિયાન મીડિયાકર્મીઓ પર પણ હુમલો કરાયો હતો જેમાં એનડીટીવીના એન્જિનિયરને માથામાં ઇજા થઇ હતી. એનડીટીવી સહિત મીડિયાની અનેક ગાડીઓને આગને હવાલે કરી દેવાઇ હતી. ચુકાદા સમયે રામ રહીમ ૨૦૦ ગાડીઓના કાફલા સાથે કોર્ટમાં પહોંચ્યા હતા.
રામ રહીમ ચુકાદા અંગે ૧૦ મુદ્દા
૧. ૫૦ વર્ષના ગુરમિત રામ રહીમને અંબાલા જેલમાં મોકલાયા હતા તેમ પંચકુલા કોર્ટ ખાતેના વકીલે જણાવ્યું હતું જ્યારે રેપનો આરોપ સાબિત થયા બાદ કોર્ટ પરિસર તથા પંચકુલા શહેરમા હિંસા ભડકી ઊઠી હતી.
૨ છેલ્લા બે દિવસથી પંચકુલાને રણમેદાન બનાવી બેઠેલા રામ રહીમના લાખો સમર્થકોએ હિંસા શરૂ કરી દીધી હતી જ્યારે હરિયાણા રાજ્ય સરકારની વિનંતી પર હિંસા ન વકરે તે માટે સેનાને તૈયાર રાખવામાં આવી છે.
૩. રામ રહીમના સમર્થકોને બાનમાં લેવા માટે જો જરૂર પડે તો સલામતી દળોનો ઉપયોગ કરવા પંજાબ અને હરિયાણા હાઇકોર્ટને સત્તા છે. સમર્થકોને કોર્ટ પરિસર બહાર કોઇ પણ સંવેદનશીલ ભાષાનો ઉપયોગ નહીં કરવા પણ ચેતવણી આપી હતી.
૪. એક દિવસ પહેલા જ હાઇકોર્ટે હરિયાણા રાજ્ય સરકારની આકરી ટીકા કરતા પંચકુલામાં રામ રહીમના ટેકેદારોની અગણિત હાજરીને લઇ તેમને કાબૂમાં લેવા માટે કોઇ વ્યવસ્થા ન કરાઇ હોવા અંગે ઝાટકણી કાઢી હતી.
૫. ગુરૂવારે મોડી રાતે એક વીડિયો મેસેજમાં બાબા રામ રહીમે પોતાના સમર્થકોને અપીલ કરી હતી કે, તેઓ શાંતિ જાળવી રાખે અને પોતાના ઘરે જતા રહે. જોકે, પંચકુલામાં રહેલા સમર્થકોએ તેમની વિનંતી માનવાનો ઇન્કાર કર્યો હતો અને તેમને સમર્થન આપવા માટે શહેરમાં જ હાજર રહેવા જણાવ્યું હતું.
૬. પંજાબ અને હરિયાણા તરફ જતી કેટલીક મહત્વની ટ્રેનોને રદ કરવામાં આવી હતી. આ દરમિયાન સરકારી કચેરીઓ, શાળાઓ અને કોલેજો બંધ રહેવા પામી હતી જ્યારે પંચકુલામાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો.
૭. બાબાના હિંસા કરી રહેલા સમર્થકોને પકડીને રાખવા માટે ત્રણ સ્ટેડિયમમાં વ્યવસ્થા કરવામાં આવી હતી.
૮. હરિયાણામાં અચોક્કસ મુદ્દત માટે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી જ્યારે વિશાલ આંતરરાષ્ટ્રી કંપનીઓ ધરાવતા ગુરગાંવ શહેરને તેમાંથી બાકાત રાખવામાં આવ્યંું હતું.
૯. રામ રહિમ કપડાં અને વિવિધ ઘરેણાની પસંદગીને કારણે ગુરૂ ઓફ બ્લીંગ નામે પણ વિખ્યાત છે. તેમણે મેસેન્જર ઓફ ગોડ, અને મેેસેન્જર ઓફ ગોડ-૨ નામે બે ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા અદા કરી છે.
૧૦. રામ રહીમના આશ્રમમાં ૪૦૦ વ્યક્તિઓના ખસીકરણ માટે પ્રોત્સાહન પુરૂ પાડવા બદલ સીબીઆઇ અલગથી તપાસ કરી રહી છે જેમાં બાબાએ અનુયાયીઓને જણાવ્યું હતું કે, તેઓ તેમને ભગવાનની નજીક લઇ જશે.
દોષિત ઠેરવાયા બાદ રામ રહીમને
હેલિકોપ્ટર દ્વારા રોહતક જેલમાં મોકલાયા


શુક્રવારે બાબા રામ રહીમને સીબીઆઇ કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં મોટાપાયે ડેરા સચ્ચા સૌદાના સમર્થકોએ ધમાલ કરી હતી જેના પગલે ત્રણેય રાજ્યોમાં એલર્ટ જારી કરાયું છે. બાબાને સજાની સુનાવણી ૨૮મી ઓગસ્ટે એટલે કે સોમવારે કરાશે તેમ સીબીઆઇના વકીલે જણાવ્યંુ હતું. દોષિત ઠેરવાયા બાદ રામ રહીમને આશરે સાત વર્ષની સજા થઇ શકે છે. રામ રહીમને દોષિત ઠેરવ્યા બાદ હરિયાણા પોલીસ બાબાને હેલિકોપ્ટર દ્વારા રોહતક જેલમાં લઇ ગઇ હતી. બની બેઠેલા આદ્યાત્મીક ગુરૂ પર બે મહિલાઓના રેપ કેસનો ચુકાદો છેક ૧૫ વર્ષે આવ્યો છે.

રામ રહીમને દોષિત ઠેરવાયા બાદ હરિયાણા,
પંજાબ અને દિલ્હીમાં હિંસક ઘટનાઓ
દિલ્હીમાં પણ ટ્રેનો, બસોનો આગને હવાલે કરાઇ, ત્રણેય રાજ્યોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
હરિયાણાના ફતેહાબાદમાં આવેલા ઝાકલમાં ડેરા સમર્થકોએ પાવર હાઉસમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ હિંસાના અનેક બનાવો બન્યા હતા. ઉત્તરપૂર્વ દિલ્હીના લોની ચોકમાં એક બસને સગળાવી નખાઇ હતી. દિલ્હીની ઘટનાઓમાં કોઇ જાનહાનિ થઇ હોવાના તાત્કાલિક અહેવાલ પ્રાપ્ત નહોતા થયા. દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ઉભેલી રેવા એક્સપ્રેસના બે ડબ્બા ડેરા સમર્થકોએ આગને હવાલે કરી દીધા હતા. પંચકુલા, સિરસા, ભટિંડા, ફિરોઝપુર અને માનસામાં કર્ફ્યુ લદાયો. પંજાબમાં રામ રહીમના ટેકેદારોએ મોગા, માલહોટ અને બલુઆના રેલવે સ્ટેશનો પર આગ લગાવી હતી. પંજાબના પટિયાલાના રાજાપુરમાં એક શાળાને આગ ચાંપવાનો પ્રયાસ. હરિયાણામાં ૨૫૦થી વધુ હિંસક ઘટનાઓ જ્યારે પંજાબમાં ૬૫ સ્થળો પર હિંસા ભડકી. જેરાના પ્રભુત્વવાળા વિસ્તારોમાં આગચંપીના બનાવો. સ્વાત અને આરએએફની ટીમો મોકલાઇ. પંજાબની બરનાલા ટેલિફોન એક્સચેન્જને આગને હવાલે કરાઇ. પંજાબમાં આવેલા મુક્તસર રેલવે સ્ટેશનને આગને હવાલે કરવાનો પ્રયાસ. પોલીસ ઘટનાસ્થળે પહોંચી. આજતક, એનડીટીવી, ઇન્ડિયા ટુડે અને ટાઇમ્સ નાઉના મીડિયા કર્મીઓ પર હુમલા કરાયા. હિંસા વકરવાને પગલે ઉત્તરપ્રદેશમાં પણ એલર્ટ અપાયું. પંચકુલાની સ્થિતિ પર નજર રાખવા હેલિકોપ્ટરથી દેખરેખ રખાઇ રહી હતી. પંચકુલામાં દેખાવકારો પર નજર રાખવા પોલીસે ટીયરગેસના સેલનો ઉપયોગ કર્યો. પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહે શાંતિ જાળવવા અપીલ કરી હતી. હિંસક ઘટનાઓ બાદ પંજાબના ભટિંડામાં કર્ફ્યુ. ડેરા આશ્રમ નજીક કેટલાક સ્થળોએ પથ્થરમારાના બનાવો બન્યા જોકે, પોલીસે પહોચી અનુયાયીઓને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો.