(એજન્સી) નવી દિલ્હી, તા.૩
રામ મંદિર વિશે બાબા રામદેવે કહ્યું છે કે, જો કોર્ટમાં નિર્ણય થતાં વાર લાગશે તો સંસદમાં ચોક્કસથી આ વિશે બિલ આવશે અને લાવવું પણ જોઈએ. બાબા રામદેવે કહ્યું છે કે, રામ જન્મભૂમિ પર રામ મંદિર નહીં બને તો કોનું બનશે ? બાબા રામદેવે કહ્યું કે, સંતો અને રામભક્તોએ સંકલ્પ કર્યો છે કે, હવે રામ મંદિરમાં વધારે વાર નહીં લાગે. મને આશા છે કે, આ વર્ષે દેશને આ શુભ સમાચાર ચોક્કસથી મળશે. બીજીબાજુ રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ રામ વિલાસ વેદાંતીએ દાવો કર્યો છે કે, રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બરમાં શરૂ થઈ જશે. તેમનું કહેવું છે કે, કોઈ અધ્યાદેશના આંતરિક સમહતીના આધાર પર મંદિરનું નિર્માણ કરવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિર બનશે અને લખનઉમાં મસ્જિદ બનશે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં સુનાવણી ટાળી દીધી છે. ત્યારપછી આરએસએસએ સરકારપાસે માંગણી કરી છે કે, તેઓ સંસદમાં કાયદો બનાવીને જમીનનું અધિગ્રહણ કરે અને મંદિર બનાવવાનો રસ્તો સાફ કરે. બીજી બાજુ શુક્રવારે આરએસએસની શીબિરમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ, મોહન ભાગવતને મળવા પહોંચ્યા હતા. ત્યારપછી સંઘ તરફથી ભૈયા જોશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, જો જરૂર પડશે તો રામ મંદિર માટે ૧૯૯૨ જેવું આંદોલન કરીશું.
બીજી બાજુ રાજ્યસભા સાસંદ રાકેશ સિન્હાએ રામ મંદિર માટે સંસદના શિયાળુ સત્રમાં પ્રાઈવેટ બિલ લાવવાની પણ જાહેરાત કરી છે. હાલ એવું લાગે છે કે, ચૂંટણી વર્ષમાં રામ મંદિરનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે.