(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
દિલ્હીની જિલ્લા અદાલત કડકડડુલાએ યોગ ગુરૂ બાબા રામદેવના જીવન પર આધારિત પુસ્તક ગોડમેન ટુ ટાઈ કુનના વેચાણ તથા પ્રકાશન પર પ્રતિબંધ લગાવી દીધો છે. બાબા રામદેવ તરફથી દાખલ કરેલ અરજીમાં પુસ્તકની અંદર તેમના જીવનને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે. અરજી પર સુનાવણી કરતાં એડિશનલ સિનિયર સિવિલ જજ નિપુણ અવસ્થીએ પ્રકાશ જગરનોટ બુક્સ પબ્લિકેશનને આદેશ આપ્યો છે કે, તેઓ પુસ્તકના વેચાણ અને પ્રકાશન પર તત્કાળ રોક લગાવે, આદેશ લાગુ થયા પછી પણ જે કોઈ પુસ્તક ખરીદવા માંગે છે એને પણ પુસ્તક ન આપવા અંગે કહેવામાં આવ્યું છે અને વેબસાઈટ પરથી પણ પુસ્તક હટાવી લેવા જણાવ્યું છે. કોર્ટની આગામી સુનાવણી એક સપ્ટેમ્બરે નક્કી કરવામાં આવી છે. બાબા રામદેવ તરફથીકેસ લડતાં વકીલ પ્રમોદ નાગરે જણાવ્યું કે લેખિકા પ્રિયંકા પાઠક નારાયણના પુસ્તકમાં બાબા રામદેવના જીવનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. આનાથી બાબા રામદેવની છબિ ખરાબ થશે. પુસ્તકમાં લેખિકાએ ૪૦ વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો છે. જેમણે બાબા રામદેવની ખૂબ જ મદદ કરી હતી. પણ એક એક કરીને એ બધા લોકો સંદિગ્ધ હાલતમાં ગાયબ થઈ ગયા. વકીલે કહ્યું કે કોર્ટ નિર્ણય મુજબ પુસ્તક વાંચ્યા બાદ વાચકોની નજરમાં બાબા રામદેવની છબિ ખરડાશે તેથી પુસ્તકના વેચાણ અને પ્રકાશન પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
ત્યાં જ પુસ્તકની લેખિકા પ્રિયંકા પાઠક નારાયણે પહેલાં જ કહ્યું હતું કે જે રીતે ધીરૂભાઈ અંબાણીના જીવન પર લખાયેલી પુસ્તક ‘ ધ પોલિયસ્ટર પ્રિન્સ’ દેશના બુક સ્ટોલ્સ પરથી ગાયબ થઈ ગઈ હતી. એ જ રીતે બાબા રામદેવના જીવન પર લખાયેલા પુસ્તક પણ ગાયબ થઈ જશે. પ્રિયંકા એક અંગ્રેજી પત્રકાર છે અને ઘણાં વર્ષોથી બાબા રામદેવ પર રિસર્ચ કરી રહ્યા છે.