બર્મિંઘમ,તા.૨૭
બાબર આઝમે બુધવારે ન્યૂઝીલેન્ડની મજબૂત ટીમ વિરુદ્ધ જીત બાદ કહ્યું કે, પાકિસ્તાનને વિશ્વાસ છે કે તે પોતાની બાકી બે મેચ જીતીને વર્લ્ડ કપ સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકે છે. આઝમે અણનમ ૧૦૧ રન બનાવ્યા જેથી ન્યૂઝીલેન્ડના ૨૩૮ રનના લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાને ચાર વિકેટે ૨૪૧ રન બનાવીને જીત મેળવી હતી. વિશ્વ કપમાં પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પોતાની પહેલા પાંચ મેચમાંથી ત્રણ મેચ ગુમાવી અને માત્ર ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત મેળવી શકી જ્યારે એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગયો હતો.
પાકિસ્તાને રવિવારે લોડ્‌ર્સમાં સાઉથ આફ્રિકા અને બુધવારે ન્યૂઝીલેન્ડને અહીં હરાવીને શાનદાર વાપી કરી હતી. સરફરાઝ અહમદની ટીમે આગામી બે મેચમાં શનિવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ ટકરાવાનું છે જ્યારે ટીમ પોતાની અંતિમ લીગ મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ રમશે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ૧૦મી સદી ફટકારનાર બાબરે કહ્યું, ’આત્મવિશ્વાસ મહત્વપૂર્ણ છે. અમને વિશ્વાસ છે કે અમે આગામી બે મેચ જીતી શકીએ છીએ અને ત્યારબાગ આગળ વિચારશું.’