(એજન્સી) કરાંચી, તા.૧
પાકિસ્તાનનો બાબર આઝમ વિરાટ કોહલીને પાછળ પાડી એક દિવસીય ક્રિકેટ મેચમાં સૌથી ઝડપથી ૧૧ સદી ફટકારનારો વિશ્વનો ત્રીજો બેટ્‌સમેન બન્યો હતો. બાબરે પોતાની ૭૧ આંતરાષ્ટ્રીય એક દિવસીય ઇનિંગ્સમાં ૧૧ સદી ફટકારી હતી. જ્યારે વિરાટ કોહલીએ ૮૨ ઇનિંગસ રમી ૧૧ વખત સદી ફટકારી હતી.
બાંગ્લાદેશ સામે ૨૦૧૯ના ક્રિકેટ વર્લ્ડકપમાં રમતા પાકિસ્તાનના બાબર આઝમે છેલ્લી એક દિવસીય મેચમાં ૯૬ રન ફટકાર્યા હતા. સોમવારે કરાંચીમાં શ્રીલંકા સામે રમતાં અદ્દભૂત ઇનિંગ્સ રમી હતી. ગત શુક્રવારે આજ સ્થળે એક પણ બોલ નાંખ્યા વિના વરસાદના કારણે પ્રથમ વન-ડે ધોવાઇ ગઇ હતી.
દક્ષિણ આફ્રિકાના હાસિમ અમલાએ માત્ર ૬૪ ઇનિંગ્સ રમી વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૧ વખત સદી ફટકારી હતી. અમલાએ હજુ પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના જ ક્વિંટન ડી.કોકે ૬૫ ઇનિંગ્સ રમી ૧૧ સદી ફટકારી હતી.