(એજન્સી) તા.૬
એક ન્યુઝ પોર્ટલના અહેવાલ પ્રમાણે ભારતીય પુરાતત્ત્વ વિભાગે છ મહિનાના ખોદકામ પછી અલ્હાબાદ હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેને બાબરી મસ્જિદ નીચે મંદિર હોવાના પુરાવાઓ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે ૬ ડિસેમ્બર ૧૯૯રના દિવસે કારસેવકોએ અયોધ્યામાં આવેલી બાબરી મસ્જિદને શહીદ કરી દીધી હતી. પુરાતત્ત્વ ખાતા પર આક્ષેપો થઈ રહ્યા છે કે ખોદકામ પહેલાંથી જ એક ચોક્કસ પૂર્વ કલ્પના અંતર્ગત કામ કરવામાં આવ્યું છે. સુપ્રિયા વર્મા અને જયા મેનન નામના બે પુરાતત્ત્વવિદોએ આક્ષેપ કર્યો છે કે ખોદકામ દરમ્યાન પુરાતત્ત્વ વિભાગે નૈતિક ધારાધોરણો અને કાર્યવાહીનો ભંગ કર્યો છે. વર્મા જવાહરલાલ નહેરૂ યુનિ.માં પુરાતત્ત્વશાસ્ત્રના પ્રોફેસર છે અને મેનન શિવનાદર યુનિ.માં ઈતિહાસ વિભાગના વડા છે. આ બંને પ્રોફેસરોએ કોર્ટમાં જણાવ્યું હતું કે ખોદકામ દરમ્યાન એવું કશું પણ મળ્યું ન હતું. જે પુરાતત્ત્વ વિભાગના તારણોનું સમર્થન કરતો હોય. વર્ષ ર૦૧૦ની શરૂઆતમાં આ બંને પ્રોફેસરોએ ઈકોનોમિક અને પોલિટિકલ વીકલી નામની પત્રિકામાં એક રિસર્ચ પેેપર પ્રકાશિત કર્યો હતો. જેમાં પુરાવાઓ એકત્ર કરવાની પુરાતત્ત્વ વિભાગની પદ્ધતિને પડકારવામાં આવી હતી. આ બંને પુરાતત્ત્વવિદોએ કહ્યું હતું કે પુરાતત્ત્વ વિભાગ ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર હેઠળ કામ કરે છે અને તેના પર એ જમણેરી હિન્દુત્વવાદી કલ્પના લાગુ કરવા માટે દબાણ છે કે મુઘલ બાદશાહ બાબરના સેનાપતિ મીર બાકીએ ભગવાન રામના જન્મ સ્થળ પર આવેલા મંદિરને તોડીને મસ્જિદનું નિર્માણ કર્યું હતું. આ બંને પુરાતત્ત્વવિદોએ અયોધ્યા વિવાદના પક્ષકાર સુન્ની વકફ બોર્ડ તરફથી સમગ્ર ખોદકામનું નિરીક્ષણ કર્યું હતું. આ બંને પુરાતત્ત્વવિદોએ દાવો કર્યો હતો કે બાબરી મસ્જિદની નીચે એક જુની મસ્જિદ આવેલી છે.