(એજન્સી) નવી દિલ્હી,તા.ર
સુપ્રીમ કોર્ટમાં આજે એમના દ્વારા ૯મી નવેમ્બરે અપાયેલ ચુકાદા સામે રિવ્યુ અરજી દાખલ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે ર.૭૭ એકર વિવાદિત જમીન હિન્દુ પક્ષકાર રામલલ્લાને મંદિર બાંધવા આપી હતી જેને પડકારવામાં આવી છે. મૂળ પક્ષકાર એમ. સિદ્દીકીના કાયદાકીય વારસદાર મૌલાના સૈયદ અશહાદ રશીદીએ રિવ્યુ અરજી દાખલ કરી છે. એમણે જણાવ્યું છે કે ચુકાદામાં ઘણા બધી ભૂલો દેખાઈ રહી છે જેના માટે બંધારણના અનુચ્છેદ ૧૩૭ હેઠળ એની સમીક્ષા કરવામાં આવે. રિવ્યુ અરજીમાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટે બંને પક્ષકારોને રાહત આપવામાં સમતોલન જાળવવાના પ્રયાસ રૂપે હિન્દુ પક્ષકારોએ કરેલ ગેરકાયદેસરના કૃત્યોને માફ કર્યા છે અને મુસ્લિમ પક્ષકારોને વૈકલ્પિક રીતે પાંચ એકર જમીન આપી છે, જે માગણી મુસ્લિમ પક્ષકારોએ કયારે પણ કરી ન હતી અને એના માટે દાદ પણ માગી ન હતી. રશીદી જમીઅત-ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ છે અરજીમાં એમણે જણાવ્યું છે કે આ હકીકત નોંધવામાં આવે કે અમે સમગ્ર ચુકાદાને પડકારતા નથી.