(એજન્સી) નવી દિલ્હી,તા.રર
અહીં આયોજિત એક કાર્યક્રમમાં ૪૦૦ વર્ષ જૂની બાબરી મસ્જિદના ઈતિહાસ અંગે અંગ્રેજી, ઉર્દૂ અને હિન્દી ભાષામાં સચિત્ર પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ૬ ડિસેમ્બર, ૧૯૯રના રોજ કટ્ટરવાદી હિન્દુઓ દ્વારા બાબરી મસ્જિદને શહીદ કરવામાં આવી હતી. લોકોને આ મસ્જિદના વાસ્તવિક ઈતિહાસથી વાકેફ કરાવવા આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
પુસ્તકના અનાવરણ પ્રસંગે હાજર રહેલા લોકોએ એકમત થઈ જણાવ્યું હતું કે સંઘ પરિવાર દ્વારા રજૂ કરાયેલા ભારતના ખોટા ઈતિહાસ વિરૂદ્ધ જાગૃતિ ફેલાવવાનો આ એક અમૂલ્ય પ્રયાસ છે. ખાસ કરીને ભારતના મુસ્લિમ શાસનકાળ અંગે ખોટો ઈતિહાસ રજૂ કરવામાં આવ્યો છે. નવી પેઢી બાબરી મસ્જિદની શહાદત તરફ દોરી ગયેલા ઘટનાક્રમથી વાકેફ નથી. પુસ્તકમાં બાબરી મસ્જિદ શહાદતમાં સરકારની સંડોવણીનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ગુનાને છૂપાવવાના કાવતરાના ભાગરૂપે હવે મીડિયા આ કેસને ટાઈટલ વિવાદના બદલે જમીન વિવાદનું નામ આપી રહ્યું છે એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
માનવ અધિકારોના અગ્રણી કાર્યકર અને એશિયન હ્યુમન રાઈટ્‌સ ડોક્યુમેન્ટેશન સેન્ટરના ડિરેક્ટર રવિ નાયરે જણાવ્યું હતું કે પુસ્તક દ્વારા સંદેશો પહોંચાડવાનો વિચાર ખૂબ સારો છે. નવી પેઢીને આ મામલે સત્ય હકીકત જણાવવામાં આ પુસ્તક ખૂબ ઉપયોગી નિવડશે. આ પુસ્તકની મદદથી નવી પેઢી બાબરી મસ્જિદ અંગેની સચ્ચાઈ જાણી શકશે. આ પુસ્તક યુવાનો સમક્ષ ફાસીવાદી તાકતોનો પણ પર્દાફાશ કરશે. ફોરમ ફોર સિટીઝન્સ ફોર ડેમોક્રેસીના પ્રમુખ અને જાણીતા વકીલ એન.ડી. પંચોલીએ બાબરી મસ્જિદની શહીદીને દેશ પર દાગ સમાન ગણાવી હતી. બળપૂર્વક ધાર્મિક સ્થળને શહીદ કરી સંઘ પરિવારે એક મોટો ગુનો કર્યો છે, તેમણે ભારતીય સમાજમાં ભાગલા પાડનારાઓ વિરૂદ્ધ બિનસાંપ્રદાયિક લોકોને એક થવાનું આહ્‌વાન કર્યું હતું. આ પુસ્તકને ‘‘ધ સ્ટોરી ઓફ બાબરી મસ્જિદ’’ નામ આપવામાં આવ્યું છે.