(એજન્સી)
નવી દિલ્હી, તા.૧પ
બાબરી મસ્જિદ શહીદી કેસની સુનાવણી કરી રહેલ સીબીઆઈ જજ એસ.કે.યાદવે સુનાવણી પૂર્ણ કરવા સુપ્રીમકોર્ટ પાસેથી ૬ મહિનાના વધુ સમયની માગણી કરી છે. એસ.કે.યાદવ ૩૦મી સપ્ટેમ્બરે નિવૃત્ત થવાના છે. આ બાબત કોર્ટે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે એસ.કે.યાદવ જ આ કેસની સુનાવણી પૂર્ણ કરી ચુકાદો આપે. આ મામલે વધુ સુનાવણી શુક્રવારે થશે. સુપ્રીમકોર્ટે યોગી સરકારને પૂછયું છે કે કઈ રીતે જજ એસ.કે.યાદવનું કાર્યકાળ વધારી શકાય. બાબરી શહીદી મામલામાં લખનૌની નીચલી કોર્ટમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સામે કેસ ચાલી રહ્યો છે. આ કેસ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી, વિનય કટિયાર સામે ચાલી રહ્યો છે. ૧૯મી એપ્રિલ ર૦૧૭ના રોજ સુપ્રીમકોર્ટે ૧૯૯રના બાબરી શહીદી મામલામાં સીબીઆઈને બધા ૧૪ આરોપીઓ સામે અલ્હાબાદ હાઈકોર્ટે ગુનાહિત ષડયંત્ર રચવાની કલમોને ફરી લગાવવા પરવાનગી આપી હતી. એ સાથે સુપ્રીમકોર્ટે આ નેતાઓ સામે રાયબરેલીની કોર્ટમાં ચાલી રહેલ બધા જ કેસો લખનૌ તબદીલ કરવા આદેશ આપ્યો હતો. સુપ્રીમકોર્ટના આ આદેશના પગલે અલ્હાબાદ હાઈકોર્ટે લખનૌમાં જે સીબીઆઈ કોર્ટની રચના કરી હતી એ કોર્ટના જજ એસ.કે.યાદવ છે.