(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
સુપ્રીમકોર્ટે અયોધ્યામાં ૧૯૯૨માં રાજકીય દૃષ્ટિથી સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ તોડી પાડવા સાથે સંકળાયેલ કેસની સુનાવણી કરી રહેલ સ્પે. કોર્ટના જજને આજે કહ્યું કે, આ કેસમાં આજથી શરૂ કરી ૯ મહિનામાં ચુકાદો આપવામાં આવે. આ કેસમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ડૉ.મુરલી મનોહર જોષી, ઉમા ભારતી અને અન્ય બીજા મોટા નેતાઓ આરોપીઓ છે. જજ નરીમન અને જજ સૂર્યકાંતે કહ્યું કે આ કેસમાં સાક્ષીઓના વિવાદ નોંધવાનું કાર્ય ૬ મહિનામાં પૂર્ણ કરવામાં આવે. બેંચે ઉ.પ્ર. સરકારને આ કેસની સુનાવણી કરી રહેલ સ્પે. કોર્ટના જજનું કાર્યકાળ ૯ મહિના વધારવા ચાર અઠવાડિયામાં યોગ્ય આદેશ પસાર કરવા પણ નિર્દેશો આપ્યા છે. વિશેષ જજ ૩૦મી સપ્ટેમ્બરે નિવૃત્ત થનાર છે અને એમણે એક પત્રમાં સુપ્રીમકોર્ટને લખ્યું હતું કે આ કેસની કાર્યવાહી પૂર્ણ કરવા ૬ મહિનાનો વધુ સમય જોઈએ છે. સુપ્રીમકોર્ટે કહ્યું કે, વિશેષ જજનું કાર્યકાળ ફકત આ કેસની સુનાવણી પૂર્ણ કરવા માટે જ વધારાઈ રહ્યો છે. સુનાવણી દરમિયાન વધારાયેલ કાર્યકાળ દરમિયાન એ અલ્હાબાદ હાઈકોર્ટના વહીવટી નિયંત્રણ હેઠળ રહેશે. સુપ્રીમકોર્ટે ૧૯ એપ્રિલ ર૦૧૭ના રોજ આ મામલામાં અડવાણી, જોષી, ઉમા ભારતીની સાથે અન્યો સામે ષડયંત્રના આક્ષેપો ઘડવા પરવાનગી આપી હતી.