(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
અલાહાબાદ હાઇકોર્ટના વરિષ્ઠ વકીલ અને બાબરી મસ્જિદ કેસના કન્વીનર અને મુસ્લિમો તરફે બાબરી મસ્જિદ કેસ લડી રહેલા ઝફરયાબ ઝીલાનીએ બુધવારે ખુલાસો કર્યો હતો કે, આ કેસમાં અરજદારનો ટાંકીને જે નિવેદનો આવી રહ્યા છે તે ખોટા છે. આ પહેલા બાબરી મસ્જિદ કેસમાં પક્ષકાર સુન્ની વકફ બોર્ડના સભ્ય હાજી મહેબૂબે મીડિયાને આ કેસમાં ઝડપી ઉકેલ લાવવા સમર્થન માગ્યું હતું. જે મંગળવારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની સુપ્રીમમાં માગણીની તદ્દન વિરોધી છે. સિબ્બલે કોર્ટને અરજ કરી હતી કે, વર્ષ ૨૦૧૯માં લોકસભા ચૂંટણીઓ ન થઇ જાય ત્યાં સુધી આ કેસની સુનાવણી ટાળી દેવામાં આવે.
મીડિયાને સંબોધતા હાજી મહેબૂબે જણાવ્યું હતું કે, હા કપિલ સિબ્બલ અમારા વકીલ છે પરતુ તેઓ એક રાજકીય પક્ષ સાથે પણ જોડાયેલા છે. મંગળવારે તેમણે કોર્ટમાં જે નિવેદન આપ્યું તે ખોટું છે. અમે આ મુદ્દાનો ઝડપી ઉકેલ લાવવા અપીલ કરી છે. અમારે તેમના નિવેદન સાથે કોઇ લેવા દેવા નથી. કપિલ સિબ્બલે કોર્ટને એક દિવસ અગાઉ જણાવ્યું હતું કે, જ્યારે આ મેટર કોર્ટમા ચાલશે ત્યારે કોર્ટ બહાર તેના ગંભીર પરિણામ આવી શકે છે અને કાયદો તથા વ્યવસ્થા સંભાળવી મુશ્કેલ બની શકે છે. જેથી કોર્ટને હું અંગત રીતે આ કેસની સુનાવણી ૧૫મી જુલાઇ ૨૦૧૯ સુધી મુલતવી રાખવા અપીલ કરૂ છું. દરમિયાન જિલાનીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસોમાં હાજી મહેબૂબ એક પક્ષકાર છે. તે અમારા સાથી સભ્ય છે અને અમે તેમના કાયદાકીય પ્રતિવાદી તરીકે કેસ લડી રહ્યા છીએ. જોકે, કપિલ સિબ્બલના કોર્ટના નિવેદન સાથે તેમનું નિવેદન બિનજરૂરી અને અસંગત છે. કોઇએ તેમના ચહેરા તરફ કેમેરા ફેરવી પ્રશ્ન પુછવો જોઇએ જે અંગે તેઓ બોલી રહ્યા છે એટલે સુધી કે બધી બાબત તેમની જાણમાં છે. જીલાનીએ એમ પણ જણાવ્યું કે, સિનિયર એડવોકેટસની ટીમ સાથે આ કાયદાકીય કેસની આગેવાની કરી રહેલા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને સિબ્બલ સહિત તમામ લોકો સિબ્બલના નિવેદન સાથે છે.