(એજન્સી) લખનૌ, તા.૩૦
બાબરી શહીદીનો મામલો અનેક વર્ષોથી અદાલતમાં ચાલી રહ્યો છે પરંતુ અત્યારસુધીમાં કોઈપણ પક્ષ કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી શક્યો નથી. ગત દિવસોમાં સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને અંદરોઅંદર ઉકેલ લાવવા માટે સમય આપ્યો હતો પરંતુ કોઈ નિર્ણય લેવાયો નહીં. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બાબરી મસ્જિદ શહીદી પર ઝડપથી ચુકાદો આપવામાં આવશે. આ મામલે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે ગઈકાલે જણાવ્યું કે, જો કોઈ ચોક્કસ પુરાવો હોય તો આ મામલાને વાતચીતની દિશામાં વધારી શકાય છે. પરંતુ આ નિવેદન આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર તરફથી રજૂઆત કરવા પર આવ્યું છે. બોર્ડના પ્રવકતાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે અનેક વખત ચર્ચા-વિચારણા થઈ ચૂકી છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. અમે હવામાં કોઈ વાત કરવા માંગતા નથી. જો કોઈ ઠોસ પુરાવાઓ રજૂ કરવામાં આવશે તો જ અમે ચર્ચા-વિચારણા કરીશું. જેનાથી કોઈ ઉકેલ સુધી પહોંચી શકાશે. શ્રી શ્રી રવિશંકરે શનિવારે મધ્યસ્થીની રજૂઆત કરતા કહ્યું હતું કે બંને સમુદાયોને એક મંચ પર ઊભા રહેવાની જરૂર છે. જ્યાં તેઓ ભાઈચારા સહિત આ મુદ્દા પર ચર્ચા કરી સૌહાર્દ દાખવી શકે. હવે આપણે બધા શાંતિ ઈચ્છીએ છીએે. સમય બદલાઈ રહ્યો છે. નોંધનીય છે ગત છ ઓકટોબરના પર્સનલ લૉ બોર્ડ સાથે જોડાયેલા મુફતી એઝાઝ અરશદ કાસમી બેગ્લુરૂમાં શ્રી શ્રી આશ્રમ ગયા હતા અને બાદમાં મીડિયામાં સમાચાર આવ્યા હતા કે શ્રી શ્રી એ બોર્ડ સાથે વાતચીત કરવા માટે સંપર્ક સાધ્યો હતો. જો કે કાસમીએ કહ્યું હતું કે આર્ટ ઓફ લિવિંગના આશ્રમની મુલાકાતને આ મામલે કોઈ સંબંધ નથી. બાબરી શહીદીનો મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.
Recent Comments