(એજન્સી) પટણા, તા. ૭
રાજદના વડા લાલુપ્રસાદ યાદવે બુધવારે જણાવ્યું હતું કે, અયોધ્યામાં ૨૫ વર્ષ પૂર્વે બાબરી મસ્જિદની શહીદી એ એક એવા યુગની ભારતમાં શરૂઆત હતી કે જેમાં છેતરપિંડીના રાજકારણની મુખ્ય ધારા તરીકે સ્વીકાર કરવામાં આવ્યો હતો.
બાબરી મસ્જિદ શહીદીની ૨૫મી વર્ષી પર સાથી નાગરિકોને લખેલા એક ખુલ્લા પત્રમાં લાલુએ જણાવ્યું હતું કે, મારે એ કહેવાની જરૂર નથી કે ત્યારે માત્ર મસ્જિદની જ શહીદી થઈ ન હતી. વાસ્તવમાં ભારતમાં એક એવા યુગની શરૂઆત થઈ હતી જ્યારે સંઘ પરિવાર અને ભાજપના છેતરપિંડી અને કાવાદાવાની રાજનીતિનો મુખ્ય ધારા તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. જે વિચારધારાએ ‘બાપુને’ મારી નાંખ્યા હતા તે વિચારધારાને હિંદુ અધિકારો સાથે સ્વાભાવિક નાતો હતો અને તેણે ભારતના સામાજિક માળખા પર વિનાશ વેર્યો છે. એવું બિહારના પૂર્વ મુખ્ય પ્રધાને આ પત્રમાં લખ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, લોકોને આખરે નફરતની વિચારધારા જોવા મળશે. લાલુએ એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપના નેતા લાલુકૃષ્ણ અડવાણીએ એવી ખાતરી આપી હતી કે, મસ્જિદને નુકસાન કરાશે નહીં પરંતુ તેમાંથી તેઓ ફરી ગયા હતા.
૬, ડિસેમ્બરની બાબરી શહીદીની ઘટના અંગે વાત કરતા લાલુએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરસિંહ રાવ અને તેમની સરકારે કોઈ તકેદારીના પગલાં લીધા ન હતા કારણ કે તેમણે અડવાણીના શબ્દો પર વિશ્વાસ રાખ્યો હતો. ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય પ્રધાન કલ્યાણસિંહે પણ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ એફિડેવિટનો અનાદર કર્યો હતો. બંધારણનો અનાદર કરવો એ ભાજપની સંસ્કૃતિ અને વિચારધારામાં વ્યાપી ગયેલ છે. બાબરી મસ્જિદની શહીદી એ ભારતીય સંઘનો મુસ્લિમ નાગરિકો સાથેના સામાજિક કરારની નિષ્ફળતાના પ્રતિક સમાન છે. આજે જો મુસ્લિમોને એવું લાગતું હોય કે તેઓ ભારતીય રાજકારણમાં અપ્રસ્તુત બની ગયા છે તો તે આપણા લોકતંત્ર માટે દુઃખદ બાબત છે એવું લાલુએ ઉમેર્યું હતું.