(એજન્સી) કોલકાતા, તા.૬
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બાબરી મસ્જિદની શહાદતની ઘટના અંગે ભાજપને નિશાન બનાવતાં કહ્યું હતું કે, રપ વર્ષ પહેલાં શરૂ થયેલું વિભાજનવાદી રાજકારણ આજે પણ ચાલી રહ્યું છે. ધર્મ કદી પણ ચૂંટણીનો મુદ્દો કે સરકારનો એજન્ડા હોઈ શકે નહીં. ખુશામતખોરી રાજકારણના આરોપ અંગે મમતા બેનરજીએ ભાજપની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે રાજ્યમાં ૩૧ ટકા મુસ્લિમો છે. તેથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે મુસ્લિમોની દેખરેખ રાખવી મારી ફરજ છે. જો લોકો માટે કરવાની પ્રવૃત્તિને ખુશામતખોરી હોય તો પણ તે હું કાયમ કરતી રહીશ. મમતા બેનરજી રપમાં બાબરી મસ્જિદ શહીદીને સહમતી દિવસ રેલીને સંબોધી રહ્યા હતા. મમતા બેનરજી ભાજપના તીવ્ર આલોચક છે. તેમણે કહ્યું કે અસહિષ્ણુતા રાજકીય પક્ષની અને સરકારની નીતિ છે. અમને વિવિધતાનું ગૌરવ છે. આપણે ભારતીયો છે. વિભાજનવાદી રાજનીતિ રપ વર્ષે પણ હજુ ચાલુ છે. કેટલાક ચોક્કસ રાજકીય પક્ષો દેશને વિભાજિત કરવા ઈચ્છે છે. ધર્મ કોઈપણ સરકારનો એજન્ડા હોવો ન જોઈએ. વિભાજનવાદી રાજનીતિ કરનાર દેશનું નેતૃત્વ કરી શકે નહીં. સાચા નેતાએ બધાને સાથે લઈ ચાલવું જોઈએ. તેમણે રાજ્યમાં ભાજપ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસનો આરોપ મૂકયો હતો. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી લોકો માટે બોલતી રહીશ. તમે મને ચૂપ નહીં કરી શકો. દેશમાં અસહિષ્ણુતા ચરમસીમાએ છે. પત્રકારોની હત્યા થાય છે. લોકોને રહેંસી નંખાય છે. આવો અધિકાર આ લોકોને કોણે આપ્યો છે. સરકારે તેના લોકોને બચાવવા જોઈએ. કોણે શું ખાવું તે નક્કી કરનાર તે કોણ છે ? તેઓ ફતવા બહાર પાડી દેશમાં તનાવ ઊભો કરે છે. ચૂંટણીમાં રોટી-કપડા અને મકાન મુદ્દો હોવો જોઈએ. જે પક્ષો ચૂંટણી ઢંઢેરાનો અમલ કરે તો મુદ્દો ચૂંટણીમાં હોવો જોઈએ. ધર્મ-કોમવાદ ચૂંટણી મુદ્દો હોઈ શકે નહીં. તેમણે લોકોને કોમી શાંતિ ડહોળવાના પ્રયાસો સામે સતર્ક રહેવા ચેતવ્યા હતા. કેન્દ્રની ભાજપ સરકાર વેરવૃત્તિવાળી રાજનીતિ કરે છે. તેમણે વિકાસના મુદ્દે લડવા પડકાર ફેંકયો છે. યુપીમાં બાળકોને પ્રાથમિક સારવાર આપી શકતા નથી અને મોટી મોટી વાતો કરે છે. ભાજપ સામે બોલનાર ટીએમસીના નેતાઓને ધમકાવાય છે અને ધરપકડ કરાય છે. ઉદાહરણ તરીકે સંદીપ બંદોપાધ્યાય છે. ચૂંટણી સુધારાઓને ટેકો આપતાં તેમણે કહ્યું કે તે પારદર્શક અને જવાબદારીભર્યા હોવા જોઈએ. તેમણે કહ્યું કે ઈવીએમ મશીનોની ફરિયાદો ચૂંટણીપંચે તપાસવી જોઈએ. યુપીની ચૂંટણીમાં ભાજપના ૧૩ ટકા મત ઘટ્યા હોવા છતાં ટીવી મીડિયાએ તેની વાત કરી નહીં. ખેડૂતોની આત્મહત્યાઓ ભાજપ શાસિત રાજ્યો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સામાન્ય બની ગઈ છે.