(એજન્સી) નવી દિલ્હી, તા.ર
સુપ્રીમકોર્ટે ભાજપ નેતા દ્વારા અયોધ્યા કેસ બાબત દાખલ કરાયેલ અરજીની તાત્કાલિક સુનાવણીનો ઈન્કાર કર્યો છે. સ્વામીએ માગણી કરી છે કે સુપ્રીમકોર્ટ સરકારને નિર્દેશો આપે કે મને ઉત્તરપ્રદેશના અયોધ્યામાં વિવાદિત સ્થળે પૂજા કરવાની પરવાનગી આપે. સ્વામીએ પોતાની અરજી સીજેઆઈ દીપક મિશ્રાની આગેવાની હેઠળ બેંચ સમક્ષ રજૂ કરી હતી. સીજેઆઈએ એમને કહ્યું કે તમે જુલાઈ મહિનામાં આવજો ત્યારે અમે કંઈ કરીશું. આ પહેલી વખત નથી કે સ્વામીએ સુપ્રીમકોર્ટમાં વિવાદિત સ્થળે પૂજા કરવાની પરવાનગી માંગતી અરજી કરી હોય. ગયા અઠવાડિયે સ્વામીએ પોતાનો મૂળભૂત અધિકાર જણાવી પૂજા કરવાના અધિકાર માટે તાત્કાલિક સુનાવણીની માગણી કરી હતી જે સુપ્રીમકોર્ટે નકારી હતી. સુપ્રીમકોર્ટે અયોધ્યા વિવાદને લગતી ૧૪ અરજીઓની સુનાવણી કરી રહી છે. હાઈકોર્ટે ર૦૧૦માં ચુકાદો આપી વિવાદીત સ્થળને ત્રણ ભાગોમાં વહેંચી પક્ષકારોને આપ્યું હતું. પણ આ વહેંચણી બધા જ પક્ષકારોને પસંદ નહીં પડતા બધાને હાઈકોર્ટના આદેશને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો છે. હિન્દુ-મુસ્લિમો વચ્ચે સદીથી રામજન્મભૂમિ-બાબરી મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે. મસ્જિદને હિન્દુ કારસેવકોએ ૬ઠ્ઠી ડિસેમ્બર ૧૯૯રમાં શહીદ કરી હતી.