Ahmedabad

ડંકો વાગતો હતો તેવા નરોડાકાંડના દોષિત બાબુ બજરંગીના ઘરમાંથી ચોરી

અમદાવાદ, તા.૧પ
નરોડા વિસ્તારમાં એક સમયે જેના નામનો ડંકો વાગતો હતો તેવા બાબુ બજરંગી ર૦૦રના તોફાનોમાં ગુનેગાર સાબિત થતા તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ત્યારે પોતાના કર્મોના ભોગે હાલ જેલવાસ ભોગવી રહેલા બાબુ બજરંગીના નરોડા સ્થિત મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ તિજોરીમાં સોના-ચાંદીના દાગીનાઓ, રોકડ ભરેલું સેફ ડિપોઝીટ વોલ્ટ જ ઉપાડી ગયા છે. જે અંગે બાબુ બજરંગીના દીકરા વિરલ પટેલે રૂા. ચાર લાખની મત્તાની ચોરી અંગે સરદારનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદમાં ર૦૦રમાં થયેલ તોફાનમાં નરોડા વિસ્તારમાં મોટી હિંસા ફાટી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમોની કત્લેઆમ થઈ હતી. નરોડા પોલીસ સ્ટેશનમાં નરોડા પાટિયા અને નરોડા ગામ તેવા બે કેસ નોંધાયા હતા. આ મામલે પોલીસે સંખ્યાબંધ લોકોની ધરપકડ કરી હતી. જેમાં હિંસા આચરનાર ટોળાની આગેવાની લેનાર વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગ દળના નેતા બાબુ બજરંગીની પણ ધરપકડ થઈ હતી. આ કેસ કોર્ટમાં ચાલ્યો હતો અને બાબુ બજરંગીને કોર્ટ દ્વારા મૃત્યુપર્યંત આજીવન કારાવાસની સજા ફટકારી છે. હાલમાં બાબુ બજરંગી સાબરમતી જેલમાં સજા કાપી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક સમય હતો જ્યારે બાબુ બજરંગીના નામની અમદાવાદમાં હાક વાગતી હતી. પરંતુ આજે એ જ બાબુ બજરંગીના ઘરમાં ચોરી થઈ છે.
જ્યારે નરોડા વિસ્તારમાં રહેનાર બજરંગીનો પરિવાર ગઈકાલે શુક્રવારના રોજ કોઈ કામ અર્થે બાયડ ગયો હતો ત્યારે તેમના બંધ ઘરમાં તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. તસ્કરો દ્વારા ઘરમાં પ્રવેશ કર્યા બાદ તિજોરી ખોલી નાખવામાં આવી હતી પણ તિજોરીની અંદર સેફ વોલ્ટ હતું. જે ખુલી શકે તેમ ન હતું જેના કારણે તસ્કરો આખુ સેઈફ વોલ્ટ જ પોતાની સાથે લઈ ગયા હતા. આ અંગે બાબુ બજરંગીના પુત્ર વિરેન પટેલ દ્વારા સરદારનગર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે રૂપિયા ચાર લાખની મત્તાની ચોરી થઈ છે. પોલીસની તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે ત્રણ તસ્કરો બાઈક ઉપર આવ્યા હતા અને ચોરી કરી તેઓ બાઈક ઉપર જ ફરાર થઈ ગયા હતા.