પશ્ચિમ બંગાળમાં ભારે મતદાન દરમિયાન હિંસાના અનેક બનાવો બન્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો ચૂંટણી અધિકારી સાથે ઉગ્ર ચર્ચા કરતા દેખાયા હતા. બાબુલ સુપ્રિયોની કારના કાચ પણ તોડવામાં આવ્યા હતા. ભાજપ અને ટીએમસીના કાર્યકરોમાં હિંસા થતા ઝી મીડિયાના વાહન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. દરમિયાન સમાજવાદી પાર્ટીએ પણ ઇવીએમાં ખામી હોવાની ફરિયાદ ચૂંટણી પંચને કરી હતી. બાબુલ સુપ્રિયોએ જણાવ્યું હતું કે, હું અહીં મતદાન બરોબર ચાલે છે કે નહીં તે જોવા માટે આવ્યો હતો પરંતુ મતદારોને મત આપવાથી રોકવામાં આવી રહ્યા હતા. લોકશાહી સ્થાપવાની અમારી લડાઇ છે. આ દેશ લોકશાહી છે તેમ કહેતા મને શરમ આવે છે. બંગાળમાં હિંસા છતાં ચૂંટણી અધિકારી કહે છે કે, મોટાભાગે મતદાન શાંતિપૂર્ણ રહ્યું છે. દરમિયાન બાબુલ સુપ્રિયો સામે ચૂંટણી અધિકારીઓને ધમકાવવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.