(એજન્સી) રાંચી, તા.રપ
ઝારખંડના ભૂતપૂર્વ સી.એમ. અને જે.વી.એમ. સુપ્રીમ બાબુલાલ મરાંડીએ કહ્યું કે, આજે દેશમાં અરાજકતાની સ્થિતિ પેદા થઈ ગઈ છે. જે.વી.એમ. સુપ્રીમો દેવઘરના ચિતરામાં પક્ષ દ્વારા આયોજિત કરવામાં આવેલા હલ્લા બોલ, પોલ ખોલ કાર્યક્રમમાં સભાનું સંબોધન કરી રહ્યા હતા.
દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી સી.બી.આઈ.ના ટોચના પદ પર રહેલા અધિકારીઓની વચ્ચે ચાલી રહેલા ધમાસાણ મુદ્દે સરકારને આડે હાથ લેતા બાબુલાલ મરાંડીએ કહ્યું કે, તેનાથી મોટું દુર્ભાગ્ય બીજું શું હોઈ શકે છે કે જે એજન્સી પર ભ્રષ્ટાચારની તપાસની જવાબદારી છે. તેના પર ખુદ વિભાગના અધિકારી જ આંગળી ચીંધી રહ્યા છે.
બાબુલાલ મરાંડીએ કહ્યું કે, દેશના ઈતિહાસમાં પ્રથમવાર સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશે મીડિયાની સામે આવીને પોતાનો વાંધો દર્શાવવો પડ્યો. આજે જે લોકો દેશમાં સરકાર ચલાવી રહ્યા છે. તેમની આસ્થા ના તો બંધારણમાં છે અને ના તો દેશના કાયદામાં. કાર્યક્રમમાં પક્ષના ઘણા નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.