(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર
અગાઉ હડતાળ પર ઉતરેલા અને બાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમને લઈને હડતાળ પાછી ખેંચનાર રાજયના તલાટીઓની માગણીઓને લઈ આજે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી હતી. રાજયના ૧ર હજારથી વધુ પંચાયત તલાટીઓના હિતમાં સરકારે નિર્ણય લેતા જાહેરાત કરી હતી કે, તલાટીઓને હવે સમાન ધોરણે પગાર ધોરણ-બઢતી વગેરેના લાભ મળશે. આ સાથે સરકાર દ્વારા અગાઉના પરિપત્રને રદ કર્યો હતો. રાજયના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સેજા દીઠ તલાટીની નિમણૂક કરવાનો પણ સરકાર દ્વારા નિર્ધાર કરાયો હતો. ઓકટોબર મહિનાના ત્રીજા અઠવાડિયામાં રાજયભરના તલાટીઓ તેમના પડતા પ્રશ્નોના ઉકેલ માટે હડતાળ પર ઉતારી ગયા હતા. જેમાં ૩૧ ઓકટોબરના સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સંદર્ભમાં ગઈ ર૦ ઓકટોબરથી રાજય સરકાર દ્વારા એકતા યાત્રાઓ યોજવામાં આવી હતી, તે વખતે ગામડાઓમાં પંચાયતનો વહીવટ ઠપ્પ થઈ જવા સાથે તલાટીઓની આ કામગીરી શિક્ષકોને સોંપવા સુધીની નોબત આવી હતી. જેમાં તલાટીઓએ તેમની લડત ઉગ્ર બનાવતા રાજય સરકારને તલાટીઓ સાથે વાતચીત કરવાની ફરજ પડી હતી. તે વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ કોઈ ઉકેલ લાવવાનું સરકાર દ્વારા જણાવતા તલાટીઓએ તેમની હડતાળ પાછી ખેંચી હતી.
તલાટીઓના પ્રશ્ને આજે સરકાર સાથે યોજાયેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ અન્ય મંત્રીઓ તેમજ સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પછી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરતા કહ્યું હતું કે તલાટીઓની મુખ્ય માગણીઓનો ઉકેલ લાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ બાબતે આજે કેવડિયા ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પરામર્શ કરી તેમની પણ મંજૂરી મેળવવામાં આવી છે. જેમાં મુખ્ય માગણી પ્રમાણે રાજયના દરેક તલાટીઓને તેમની સમકક્ષના (મહેસૂલ તલાટી વગેરે) અન્ય કર્મચારીઓ જેટલું જ પગાર ધોરણ આપવામાં આવશે. આ સાથે તેમને પ્રમોશન પણ તે જ ધોરણે આપવામાં આવશે. આ માટે તલાટી મંડળની માગણી અનુસાર રાજય સરકાર દ્વારા વર્ષ ર૦૧૭માં કરાયેલા પરિપત્રમાંથી ૪, પ અને ૬ શરતોને દુર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે રાજયના દરેક ગ્રામ્ય વિસ્તારોમાં સેજા દીઠ પંચાયત અને મહેસુલની કામગીરી માટે તલાટીની નિમણૂક કરવામાં આવશે. જેના કારણે ખેડૂતો સહિત ગામડાની ગરીબ અને માધ્યમ વર્ગની પ્રજાને ૭/૧રના પત્રકો, પાણી પત્રકો સહિતની કામગીરી માટે મુશ્કેલી પડશે નહી. આ માગણીઓ ઉકેલાતા તલાટી મહામંડળ દ્વારા રાજય સરકારને એક પત્ર આપી સરકાર સાથે રહી પૂરેપૂરી ક્ષમતાથી ફરજ બજાવવાની ખાતરી આપવામાં આવી છે.
રાજ્યના તલાટીઓના પગાર ધોરણ તથા બઢતી વગેરે માંગનો સ્વીકાર

Recent Comments