(એજન્સી) નવી દિલ્હી ,તા.૩૦
ઉત્તર પ્રદેશ પોલીસ સામે ધક્કા મારવાનો આરોપ મૂક્યાના બે દિવસ બાદ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ સોમવારે યુપી સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહેલા લોકો પર યુપી પ્રશાસન અને પોલીસની ક્રૂરરીતે કાર્યવાહી કરવામાં નીતિ નિયમોના ઉલ્લંઘનમાં સંડોવણીનો રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના પ્રશાસન અને પોલીસ સામે આરોપ મૂક્યો છે. પત્રકાર પરિષદમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે મારી સુરક્ષા મારા માટે મહત્વની નથી પરંતુ રાજ્યના લોકોની સુરક્ષાની વાત થવી જોઇએ. તેમણે એવું પણ કહ્યું કે ભારતમાં દુશ્મનાવટ, હિંસા અને બદલા માટે કોઇ સ્થાન નથી. તેમણે એવો પણ આરોપ મૂક્યો કે નાગરિકતા કાયદા સામે સામેના આંદોલનો સાથે કોઇ લેવા-દેવા નથી, એવા લોકો નિર્દોષ લોકોની યુપી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગત સપ્તાહના વિરોધમાં તેમની કથિત ભૂમિકા બદલ ૩૧ લોકોની અટકાયત કરવામાં આવી છે. પ્રિયંકા ગાંધીએ એવું પણ કહ્યું કે મારી સુરક્ષા કોઇ મોટો મુદ્દો નથી. અમે સામાન્ય લોકોની સુરક્ષાની વાત કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે જે કેસો જાણીએ છીએ તે ૫૫૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું સૂચવે છે. ઘણાને સાવધાનીપૂર્વક જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. તેમને માર મારવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાએ એવો પણ દાવો કર્યો કે રાજ્યમાં પોલીસ યોગીના બદલાની ખાતરી કરવા કાર્યવાહી કરી રહી છે. મુખ્ય પ્રધાને કરેલા આઘાતજનક નિવેદનનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું છે કે યોગીએ કહ્યું હતું કે અમે દેખાવકારોથી બદલો લઇશું. રાજ્ય પોલીસ યોગીના નિવેદનને આધારે કાર્યવાહી કરી રહી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મુખ્ય પ્રધાને ખોટું નિવેદન કર્યું હતું અને હવે તેની અસર દેખાઇ રહી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ઇતિહાસમાં પહેલી વાર કોઇ મુખ્ય પ્રધાને લોકોથી બદલો લેવાનું કહ્યું છે. તેમણે એવું પણ કહ્યું કે હિન્દુ ધર્મમાં બદલાને કોઇ સ્થાન નથી. પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ સરકાર પાસે કોઇ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર પોલીસ અત્યાચાર અને વિદ્યાર્થીઓ સામે થઇ રહેલી કાર્યવાહી તાકીદે અટકાવવાની માગણી કરી છે. તે ઉપરાંત તેમણે સંપત્તિ જપ્ત કરવાનો આદેશ પણ પોછો લેવાની માગ કરી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર તરફથી જનતાને પરેશાન કરવામાં આવી રહી છે.