(એજન્સી) કોલકાતા, તા. ૧૯
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે, તૃણમુલ કોંગ્રેસના નેતા તથા અભિનેતા તાપસ પોલનું મૃત્યુ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ઊભું કરાયેલું દબાણ અને બદલાની રાજનીતિને કારણે થયું છે. તૃણમુલ કોંગ્રેસના બે વખતના સાંસદ તાપલ પોલનું મંગળવારે હાર્ટ એટેકને કારણે મુંબઇમાં ૬૧ વર્ષની વયે અવસાન થયું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટીએમસીના પૂર્વ સાંસદ તાપસ પૉલ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવ્યા છે. મમતાએ બુધવારે કહ્યું કે, કેન્દ્રીય તપાસ એજન્સીઓના દબાણ અને બદલાની રાજનીતિના કારણે તૃણમૂલ સાંસદ અને એક્ટર તાપસ પૉલનું મોત થયું છે. તેમણે કહ્યું કે, તપાસ એજન્સીઓના કારણે ત્રણ લોકોનું મોત થયું હતું. તેમાં સુલ્તાન અહમદ (ટીએમસીના પૂર્વ સાંસદ), ટીએમસીના જ સાંસદ પ્રસૂન બેનરજીની પત્ની અને તાપસ પૉલ સામેલ છે. તાપસનું મંગળવારે મુંબઈમાં હાર્ટ એટેક થયું હોવાના કારણે નિધન થયું છે. પૉલની દીકરી મુંબઈમાં રહે છે, તે પોતાની દીકરીને મળવા અહીં આવ્યો હતો. મમતાનો આરોપ છે કે, કેન્દ્રીય તપાસ એજન્સી કોઈને પણ જેલમાં નાખી શકે છે પરંતુ તેઓ તેનો ગુનો સાબીત નથી કરી શકતા. મમતાએ આગળ કહ્યું કે, તપાસ એજન્સીઓના દબાણમાં ત્રણ લોકોના મોત તો અહીં જ થઈ ગયા છે. સુલ્તાન અહમદ (તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ), ટીએમસી સાંસદ પ્રસૂન બેનરજીની પત્ની અને હવે તાપસનું નિધન થયું છે. લોકોને જેલમાં નાખવામાં આવે છે પરંતુ તપાસ એજન્સીઓ સાબીત નથી કરી શકતી કે આ લોકોનો ગુનો શું છે? જો કોઈએ ગુનો કર્યો હોય તો તેમને સજા ચોક્કસ મળવી જોઈએ. પરંતુ અમને હજી સુધી એ ખબર નથી પડી કે તાપસ અને બાકીના લોકોનો ગુનો શું છે.