સિદ્ધપુર, તા.ર૧
સિદ્ધપુર સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલના બેહુદા અને ઉદ્ધત વર્તન સામે નર્સિંગના વિદ્યાર્થીઓએ સ્ટ્રાઈક કરી હતી. જેને લઈને વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સિદ્ધપુર દોડી આવ્યા હતા અને તપાસ આદરી હતી. તપાસ અધિકારીઓએ ૨૪ કલાકમાં પગલાં લઈ પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવાની ખાત્રી આપી હતી. પરંતુ આજે તેની વડોદરા ખાતે લેકચરર તરીકે બદલી કરી દેવાતા સરકાર આવા લંપટ અધિકારીઓને છાવરતી હોવાની લાગણી બની છે.
પ્રિન્સીપાલ વિદ્યાર્થિનીઓને રાત્રીના સમયે ફોન અને મેસેજીસ કરવાની બાબત અને મેસમાં જમવાનાની ગુણવત્તા, પીવાના પાણીની સમસ્યા જેવી બાબતોને લઈને વિદ્યાર્થીઓ સ્ટ્રાઈક ઉપર ઉતર્યા હતા. દરમ્યાન ગઇકાલે ગાંધીનગરથી મદદનીશ નિયામક મયંક ડામોર, તેમજ આસી. ડાયરેક્ટર નર્સિંગ ઋષી પટેલ દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટી સાથે બેસીને ઘટનાની માહિતી લઈ તથ્યો સહિત રિપોર્ટ તૈયાર કરાયો હતો. મીડિયાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આ ઘટના શરમજનક હોવાનું કબુલી મયંક ડામોર દ્વારા પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલને ચાર્જમાંથી મુક્ત કરીને તેને તપાસ ચાલે ત્યાં સુધી ફરજ પરથી દૂર રાખવાની વાત કરેલી પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની રજૂઆત થતાં મયંક ડામોર દ્વારા હૈયા ધારણા આપી હતી. ત્યારે વિદ્યાર્થીઓની સસ્પેન્ડની માગણી પર સરકાર દ્વારા જાણે પૂર્ણ વિરામ મૂકાઇ ગયુ હોય તેમ લાગી રહ્યું છે અને મહેન્દ્ર પટેલને હાલ વડોદરાની કોલેજમાં લેક્ચરર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે પ્રશ્ન એ ચર્ચાય છે કે, આ મહેન્દ્ર પટેલને ફરજિયાત રજા પર કેમ ઉતારવામાં ના આવ્યા ?? કેમ સસ્પેન્ડ કરવામાં ન આવ્યા ?? આ તમામ પ્રશ્નો સિદ્ધપુર શહેરમાં ચર્ચાઇ રહ્યા છે. જો કે, વિદ્યાર્થીઓ અને એ.બી.વી.પી. હજુ લડી લેવાના મુડમાં છે અને શહેરના જાગૃત નાગરિકો પણ એમની સાથે જોડાયા છે.