(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ પર જાતીય સતામણીના આક્ષેપો મામલે વકીલ ઉત્સવ બૈન્સે કોર્ટમાં એ પુરાવા રજૂ કર્યા હતા જેના આધારે એમણે દાવો કર્યો હતો કે CJIને ફસાવવા ષડયંત્ર રચવામાં આવ્યું હતું. બૈન્સ દ્વારા પુરાવાઓ રજૂ કરાયા પછી કોર્ટે સીબીઆઈના ડાયરેક્ટર દિલ્હી પોલીસ કમિશનર અને આઈબીના વડાને કોર્ટમાં બોલાવ્યા હતા. મામલાની સુનાવણી કરી રહેલ જજ અરૂન મિશ્રા, આર.એફ.નરિમાન અને દીપક ગુપ્તાની બેંચે ઉત્સવ બૈન્સ દ્વારા રજૂ કરાયેલ પુરાવાઓ સંદર્ભે કહ્યું ‘જો આ સત્ય છે તો આ એક ગંભીર મામલો છે. બૈન્સે કોર્ટમાં સીલબંધ કવરમાં પુરાવાઓ રજૂ કર્યા હતા એમણે કહ્યું આ કવર બધાની સામે ખોલી શકાય છે. આમાં સીસીટીવી ફૂટેજ પણ છે.
આ પછી બેંચે એજીને કહ્યું કે, સીબીઆઈ ડાયરેક્ટરને બોલાવવામાં આવે, પણ ડાયરેક્ટર દિલ્હીમાં હાજર નહીં હોવાથી જોઈન્ટ ડાયરેક્ટરને બોલાવવા કહ્યું. બૈન્સે ગઈકાલે પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે, મને વિશ્વસનીય સૂત્રો દ્વારા માહિતી મળી છે કે, સીજેઆઈને બદનામ કરવા ષડયંત્ર રચાયું છે. એર્ટોની જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, સંસ્થાનનું નામ ખરાબ કરવા મોટું ષડયંત્ર ઘડાયું છે. આના માટે સીટની રચના કરવી જોઈએ. કોર્ટે કહ્યું આ ન્યાયતંત્રની સ્વતંત્રતાનો મુદ્દો છે. આ ગંભીર મામલો છે. એ સાથે કોર્ટે કહ્યું કે, બૈન્સની સુરક્ષા ચાલુ રહેવી જોઈએ.
જજ બોબડેએ જણાવ્યું કે, અમે એ મહિલાને નોટિસ મોકલાવી છે જેમણે સીજેઆઈ સામે આક્ષેપો મૂક્યા છે.
સુપ્રીમ કોર્ટની એક મહિલા કર્મચારીએ સીજેઆઈની સામે ૧૯મી એપ્રિલના રોજ મૂકેલ આક્ષેપોમાં કહ્યું હતું કે, સીજેઆઈએ પહેલા મારી જાતીય સતામણી કરી અને પછી નોકરીમાંથી બરતરફ કરી.

ગોગોઈ ઉપર મૂકાયેલ આક્ષેપોની તપાસ ત્રણ ન્યાયાધીશોની પેનલ કરશે

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ સામે કથિત જાતીય સતામણીના આક્ષેપોની તપાસ જજ એસ.એ.બોબડેની આગેવાની ધરાવતી સુપ્રીમ કોર્ટના જજોની પેનલ દ્વારા કરાવવામાં આવશે. બોબડે સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ પછી બીજા ક્રમના વરિષ્ઠ જજ છે, પેનલની રચના મંગળવારે કરવામાં આવી હતી. પેનલની રચના સાથે સંકળાયેલ એક સૂત્રે જણાવ્યું કે, જજ એન.વી.રમન અને જજ ઈન્દિરા બેનરજીને આક્ષેપોની તપાસ કરવાની કામગીરી સોંપાઈ છે. સુપ્રીમ કોર્ટના વકીલ મંડળોએ સોમવારે મામલાની નિષ્પક્ષ તપાસને લઈ અનિવાર્ય પગલાં લેવા એક ફૂલ કોર્ટની રચનાની માગણી કરી હતી.