(એજન્સી) નવી દિલ્હી, તા.૬
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું અને સરકારે તેની પ્રશંસા કરી પરંતુ વિપક્ષને આ બજેટ ગમ્યું નથી. લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ આ વખતે વધારવામાં આવ્યું નથી. મંત્રાલયનું બજેટ ૪૭૦૦ કરોડ રૂપિયા જ રાખવામાં આવ્યું છે. જોકે, આ રકમ વચગાળાના બજેટમાં પણ હતી. બજેટ રજૂ થયા બાદ એઆઇયુડીએફના અધ્યક્ષ અને લોકસભામાં સાંસદ બદરૂદ્દીન અજમલે સરકારના સૌનો સાથ અને સૌનો વિકાસના દાવા સામે પ્રશ્ન ઉભો કર્યો છે. તેમણે સરકારને પૂછ્યું કે લઘુમતી બાબતોના મંત્રાલયે દર વર્ષે એક કરોડ લઘુમતી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાની જાહેરાત કરેલી છે અને જો મંત્રાલયનું બજેટ વધારવામાં નહીં આવે તો પછી એક કરોડ લઘુમતી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ કેવી રીતે આપવામાં આવશે ? બદરૂદ્દીન અજમલે કહ્યું કે ગયા વખતે ૫૪ લાખથી વધુ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાનો લઘુમતી બાબતોના મંત્રાલયે દાવો કર્યો અને તેમના માટે આશરે બે હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આવી પરિસ્થિતિમાં સીધું ગણિત છે કે એક કરોડ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા માટે ૪ હજાર કરોડ રૂપિયાથી વધુનું બજેટ લાગશે અને મંત્રાલયનું સંપૂર્ણ બજેટ જ ૪,૭૦૦ કરોડ રૂપિયાનું છે. જોકે, મંત્રાલયની અન્ય સ્કીમો પણ ચાલી રહી છે. મદરેસા આધુનિકરણ સ્કીમનું બજેટ પણ વધારવામાં આવ્યું નથી. આ વખતે પણ ૧૨૦ કરોડ રૂપિયા જ રાખવામાં આવ્યું છે.