(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૫
કાળઝાળ કળીયુગમાં પોલીસ વિભાગમાં મીઠી વિરડી સમાન અધિકારી અને કર્મચારીઓની પ્રમાણિકતા જ્યારે ઉજાગર થાય ત્યારે તેમને ધન્યવાદ આપવા પડે. નવાપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોસઇ એ.આર. મહિડાને રૂપિયા એક લાખ ઉપરાંતની રોકડ રકમનો થેલો રસ્તા ઉપરથી મળ્યો હતો. ત્યારે જહેમત બાદ તેમણે ગાંધીનગરમાં રહેતા અબ્દુલ કાદર મહંમદભાઇ કાલા વડિયાને શોધી પરત કરતાં નવાપુરા પોલીસ મથકમાં હૃદય ગમ્ય દૃશ્યો સર્જાયા હતા.
વિગત અનુસાર ગાંધીનગર ખાતે સેકટર-૪એ, પ્લોટ નંબર-૨૪૪-૨ માં રહેતા અને હેન્ડલુમના કપડાનું વિવિધ શહેરોમાં પ્રદર્શન યોજતા અબ્દુલ કાદર મહંમદભાઇ કાલા વાડિયા ગત રોજ રાત્રીનાં ભરૂચમાં યોજેલા પ્રદર્શન બાદ પરત જઇ રહ્યાં હતા. કારમાં તેમના એક મિત્રને વડોદરા સિટીમાં ઉતારવાના હોવાથી નવાપુરા માર્ગ ઉપરથી રાતના રથી ૩ના સમયગાળા દરમિયાન પસાર થયા હતા. તે વેળા અચાનક કારની ડેકી ખૂલી જવાથી એક કાળા કલરની બેગ માર્ગ ઉપર પડી ગઇ હતી. જેની તેમને જાણ સુદ્ધા ન હતા. તેઓ આગળ નીકળી ગયા હતા. તે વેળા પાછળ આવતી એક કારનાં ચાલકે ડેકી ખૂલી ગઇ હોવાની જાણ કરતાં તેમણે કાર ઊભી રાખી તપાસ કરી હતી. ત્યારે કાળી બેગ ન હતી. આથી તેમનો જીવ અદ્ધર થઇ ગયો હતો. બેગમાં રોકડ રૂપિયા ૧,૧૬,૫૬૦ સહિત આર.સી.બુક, પાનકાર્ડ, વિઝીટિંગ કાર્ડ વગેરે દસ્તાવેજો હતો.
તેમણે સમગ્ર માર્ગ, આરવી દેસાઇ માર્ગ સહિત ડભોઇ રોડ ઉપર તપાસ કરી પરંતુ બેગ મળી ન હતી. એ દરમિયાન તેમના મોબાઇલની ઘંટડી રણકી સામે છેડેથી નવાપુરા પોલીસ મથકે ફરજ બજાવતા પોસઇ એ.આર.મહિડાનો ફોન હતો. તેમણે અબ્દુલ કાદરભાઇને પોલીસ મથકે બોલાવ્યા હતા. તે પૂર્વે મહિડાએ નવાપુરા પોલીસ મથકનાં પો.ઇન્સ. ડી.કે. રાવને જાણ કરી હતી. સંપૂર્ણ ખાત્રી કર્યા બાદ પોસઇ મહિડાએ રોકડ રકમ સાથેની બેગ અબ્દુલ કાદરભાઇને સુપ્રત કરી ત્યારે પોલીસ મથકમાં લાગણી સભર દૃશ્યો ખડા થયા હતા.
પો.સ.ઇ. મહિડાએ જણાવ્યું હતું કે, હું તથા હે.કો. નરસિંહભાઇ ગોરધનભાઇ રાગી પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આર.વી.દેસાઇ રોડ ઉપર સુમંગલ એપાર્ટમેન્ટના માર્ગ ઉપર આ બેગ મળી હતી. જે અમે અસલ માલિકની ભાળ કાઢી સુપ્રત કરેલી છે. આ વિરલ ઘટના અંગે અબ્દુલ કાદર કાલાવાડિયાએ ગુજરાત ટુડે સાથે વાત કરતાં જણાવ્યું હતું. પોલીસ ખાતામાં પોસઇ મહિડા જેવા પ્રમાણિક અધિકારીઓ હયાત છે. તેના માટે હું અને મારો પરિવાર ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અમે એમનું સન્માન કરવાનાં છીએ. આ જમાનામાં પોલીસ ખાતામાં આવા અધિકારીઓ પોતાની ફરજ નિષ્ઠા પ્રત્યે સભાન છે તેનો જીવતો જાગતો પુરાવો પોસઇ મહિડા છે.