કોડીનાર,તા.રપ
કોડીનાર તાલુકાના વેલણ ગામ નજીક સુત્રાપાડા ખાતેની જીએચસીએલ કંપનીને ભાડુ પકાવવા માટે ભાડા પદે આપેલી ૧૯૬૮ એકર જમીનનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલુ ભાડુ લીઝની મુદ્દત રિન્યુ થયાથી આજદીન સુધી નહી ભરીને કંપનીએ સરકારને લાખો રૂા.નો ચૂનો ચોટાડયાનું બહાર આવ્યું છે. કોડીનારના વેલણ અને કાજ ગામની કુલ ૩૭૬પ એકર જમીન સરકાર દ્વારા સુત્રાપાડાની જીએચસીએલ કાું.ને મીઠું પકાવવા માટે લીઝ ઉપર આપવામાં આવી હતી. આ લીઝની મુદ્દત ૩૧-૭-ર૦૦૭ના રોજ પુરી થતા કંપનીએ વેલણ ગામની અને કાજ ગામની જમીન મળીને કુલ ર૧૬ર પરત આપવાની શરત હતી. જે પૈકી ૧૭૯૭ એકર જમીન પરત કરી હતી અને હજુ ૩૬૪ એકર જમીન પરત કરવાની બાકી છે. ત્યારે સરકાર દ્વારા ફરીથી ૩૦ વર્ષ એટલે કે ૩૧-૭-ર૦૩૭ સુધી કેટલીક શરતોને આધિન રહી રિન્યુ કરી હતી. જેમાં પ્રતિહેકટર વાર્ષિક રૂા.૩૪પ/- દર ત્રણ વર્ષે ૧પ ટકા ભાડા વધારા સાથે આપી હતી. એટલે કે લીઝ રિન્યુ થયા તારીખથી આજે ૧ર વર્ષ દરમ્યાન કંપનીએ રૂા. ૪૧૧૬૪૧૭/- ભરવાના થાય છે. જે આજદીન સુધી નદી ભરતા જિલ્લા કલેકટર અજય પ્રકાશે તા.ર૧-૮-ર૦૦૮ના પત્રથી આ રકમ ભરી આપવા તાકીદ કરી છે. ત્યારે છેલ્લા ૧ર વર્ષથી સરકારે નક્કી કરેલું ભાડુ નહીં ભરીને સૂત્રાપાડાની જીએચસીએલ કાું.એ સરકાર ને ચુનો ચોપડયો છે. ત્યારે વેલણ ગામ બચાવ એકતા સમિતિ દ્વારા આજરોજ રાજયના મહેસુલ વિભાગના મંત્રીને એક આવેદનપત્ર પાઠવી વેલણ ગામે મીઠુ-પકવી-પકવીને આસપાસની જમીનને બરજર બનાવી દેતી આ કંપનીની લીઝ કેન્સલ કરવા અને વેલણ ગામની પ્રજાને હિજરત થતી બચાવવા માગણી કરી છે જો તાત્કાલિક અસરથી આ લીઝ રદ નહીં કરવામાં આવે તો ગાંધી ચીંધિયા રાહે આ વિસ્તારની પ્રજા આંદોલન કરશે તેવું અતમાં જણાવાયું છે.