(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર૬
ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન મામલે મહત્વનો ચુકાદો આપતા રાજયના હજારો ખેડૂતોને આર્થિક લાભ થશે. હાઈકોર્ટ ખેડૂતોની સંપાદન કરેલી જમીનનું વળતર ર૦૧૧ની જંત્રી પ્રમાણે નહીં પરંતુ બજારના નવા ભાવ અનુસાર આપવા આદેશ કરતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હાઈવે બનાવવા માટે સરકારે ૨૦૧૭-૧૮માં સંપાદન કરેલી જમીનનું વળતર પણ ૨૦૧૧ની જંત્રી પ્રમાણે આપ્યું હતું, જેને લઈને ઘણો બધો વિરોધ થયો હતો અને હાઈકોર્ટમાં અરજી પણ કરવામા આવી હતી. ગુજરાત હાઈકોર્ટના નિર્ણયથી ગુજરાતમાં સૌ પ્રથમ વખત જમીન માલિકોને લાભ મળશે, આ ચૂકાદાની અસર બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પર પડશે. તે ઉપરાંત રાજ્યમાં એક લાખથી વધારે ખેડૂતોને ફાયદો મળશે. વર્ષ ૨૦૧૭-૧૮માં મુંબઈથી વડોદરા એક્સપ્રેસ હાઈવે બનાવ્યો. તે ઉપરાંત ભાવનગર-વેરાવળ વચ્ચે નેશનલ હાઈવેનું કામ પણ શરૂ કરવામા આવ્યું હતું. આ હાઈવે બનાવવા માટે ખેડૂતો અને બિન ખેડૂતો પાસેથી જમીન લીધી હતી, તે જમીન માલિકોને ૨૦૧૧માં જંત્રી મુજબ વળતરની ચૂકવણી કરવામા આવી હતી. આ પ્રક્રિયાના વિરોધમાં ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં કરેલી અરજીમાં આરોપ લગાવવામા આવ્યા છે કે, જમીન સંપાદનની પ્રક્રિયા અધિકારીઓએ નિયમ મુજબ કરી નહતી. આ બાબતે નેશનલ હાઈવે ઓર્થોરિટી ઓફ ઈન્ડીયાએ પણ કેટલીક ખામીઓ સ્વીકારી છે. અરજીમાં આરોપ લગાવવામા આવ્યો છે કે, જમીન સંપાદન બાદ પુનઃવસવાટ અને પુનઃસ્થાપનાની કોઈ જ જોગવાઈ કરવામા આવી નહતી. આમ ખેડૂતો અને બિન ખેડૂતોની અરજી બાબતે સુનાવણી કરતાં હાઈકોર્ટે સંપાદન કરેલી જમીનનું વળતર ૨૦૧૧ની જંત્રી પ્રમાણે નહી પરંતુ માર્કેટના નવા ભાવ અનુસાર આપવા માટે આદેશ કર્યો છે.