(એજન્સી) નાગપુર, તા.૭
હિન્દુ-મુસ્લિમ દંપતીએ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચ સમક્ષ ૧૭મી ઓગસ્ટે અરજી દાખલ કરી છે. અરજીમાં જણાવાયું છે કે બંનેએ કાયદેસર રીતે લગ્ન કર્યા છે તેમ છતાંય અમને બજરંગ દળના ચળવળકારીઓ અને નાગપુર પોલીસ ત્રાસ આપી રહી છે. હાઈકોર્ટના જજોએ નાગપુર પોલીસ અને ગૃહખાતાના મુખ્ય સચિવને જવાબ રજૂ કરવા નોટિસ મોકલાવી છે. હિંગોલી જિલ્લાના વસમથ વિસ્તારના નિવાસી મોહમ્મદ આરીફ દોસાનીએ અરજી દાખલ કરી છે. એમણે પોતાની અરજીમાં જણાવ્યું છે કે એમણે મોનિકા ઈન્ગલે સાથે લગ્ન કર્યા છે. અત્યારે મોનિકા ધર્મ પરિવર્તન કરી આયત બની છે. પણ પોલીસ અધિકારી પીએસઆઈ અમોલ જાધવ અને પીઆઈ રમાકાન્ત ધ્રુવ કેટલા સમયથી અમને હેરાન કરી રહ્યા છે. એ સાથે એમના સગાઓ બજરંગ દળના સભ્યો સાથે મળી અમને હેરાન કરી રહ્યા છે. વધુમાં ૧લી સપ્ટેમ્બરના રોજ એમણે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. અરજદારે જણાવ્યું છે કે પોલીસ એના કાકી અકીદા દોસાનીના ઘરે ગઈ હતી અને અમને ધમકીઓ આપી હતી. એ સાથે એમના અન્ય સગાઓને પણ આ પ્રકારના લગ્ન કરાવવા માટે ધમકીઓ આપી છે. બેન્ચે અરજદારની અરજી સાંભળ્યા પછી સંબંધિત સત્તાધિકારીઓ સામે નોટિસો મોકલાવી છે. એ સાથે નાગપુર પોલીસ કમિશનર કે.વેંકટેશનને પણ જવાબ આપવા નોટિસ મોકલી છે. કોર્ટે પીએસઆઈ જાધવને પણ ખાનગી પક્ષકાર તરીકે જોડાવા જણાવ્યું છે. જેમણે કોઈપણ કાયદાકીય પ્રક્રિયાનું અનુસરણ કર્યા વિના એમની કાકી અને અન્ય સગાના ઘરે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કોર્ટે પ્રશ્ન કર્યો કે જ્યારે બે વયસ્ક સ્ત્રી પુરૂષે કાયદાકીય રીતે લગ્ન કર્યા છે તો આ બાબતને કેમ ગંભીર મુદ્દો બનાવાઈ રહ્યો છે.