(એજન્સી) પટના, તા.૧૭
રાજધાની પટના પાસે આવેલ ખગોલના જમાલુદ્દીન ચોકમાં બજરંગદળ દ્વારા સ્વતંત્રતા દિવસે કાઢવામાં આવેલા ત્રિરંગા જુલુસ દરમિયાન વાંધાજનક સૂત્રોચ્ચાર અને પથ્થરમારા બાદ સ્થિતિ તણાવપૂર્ણ થઇ ગઇ છે. સ્થિતિનો ઉકેલ લાવવા માટે પોલીસ અને વહીવટી અધિકારી મોટા દળ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યાં હતાં. સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજધાની પટનાથી ખગોલ ચોકમાં બજરંગ દળ દ્વારા ૭૦મા સ્વતંત્રતા દિવસે ત્રિરંગા જુલુસ કાઢવામાં આવ્યું હતું. જુલુસમાં સામેલ કેટલાક લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતાં. તેના પર આ વિસ્તારમાં રહેતાં કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ જુલુસમાં સામેલ કેટલાંક લોકોએ પથ્થરમારો કર્યો હતો અને મામલો વણસ્યો હતો. આ દરમિયાન બંને સમુદાયોના લોકો સામ-સામે આવી ગયાં હતા અને એકબીજા પર પથ્થરમારો કરવા લાગ્યા હતા. આ મામલાએ સાંપ્રદાયિક રંગ લઇ લીધો અને સ્થિતિ સંભાળવા માટે ખગોલ, ફુલવારી શરીફ, દાનાપુર, શાહપુર સહિત અનેક સ્થળોની પોલીસ, સીટી એસ.પી. ડી.અમરકેશ ભારે પોલીસદળ સાથે ત્યાં પહોંચ્યાં હતાં. સૂત્રોએ જણાવ્યું કે આ ત્રિરંગા યાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થતાં અનેક યુવકોે ઘાયલ થઇ ગયા હતા. અનેક વાહનોને પણ નુકસાન થયું હતું. ઘટના બાદ આક્રોશિત સ્થાનિક લોકોએ ખગોલ ચોકીને ઘેરી લીધી. ખગોલ, ફુલવારી શરીફ, દાનાપુર, શાહપુર સહિત અનેક સ્થળો સહિત અન્ય ચોકીના ૧૦૦થી વધુ પોલીસકર્મીઓ હાજર રહ્યાં હતાં સાથે જ તણાવની સ્થિતિને જોતા જમાલુદ્દીન ચોકમાં ભારે માત્રામાં દળ તૈનાત કરવામાં આવ્યું હતું. હાલ સ્થિતિ તણાવપૂર્ણ હોવા છતાં નિયંત્રણમાં છે.