(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૪
આણંદના બાકરોલ ગામે ગરીબ શ્રમિક પરિવારના ૧૧ વર્ષના કિશોર દીપ સુનિલભાઈ વસાવાનું ગત તા.ર૭-૯-ર૦૧૭ના રોજ અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હતું અને તેના બીજા દિવસે તા.ર૮-૯-ર૦૧૭ના રોજ મોડીસાંજે પોલીસે સુનિલભાઈ વસાવાની ફરિયાદના આધારે અપહરણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ તા.૩૦-૯-ર૦૧૭ના રોજ જોળ ગામ પાસેથી પસાર થતી કેનાલની નજીકથી દીપની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાના પાંચ દિવસ બાદ પણ પોલીસ હજુ સુધી અપહરણકારો કે હત્યારાઓને ઝડપી શકી નથી, આજથી ર૧ વર્ષ પૂર્વે તા.રપ-૪-૧૯૯૬ના રોજ પણ બાકરોલ કોલોનીમાં રહેતો કિશોર મૂકેશભાઈ રતિલાલ રોહિત ગુમ થઈ ગયો હતો અને તેનો પત્તો પણ આજદિન સુધી લાગ્યો નથી, તેમજ ચોરી અને લૂંટના બનાવો પણ આ વિસ્તારમાં બનેલા છે. ત્યારે તેના વિરોધમાં આજે સવારે બાકરોલના કોંગ્રેસના કાઉન્સિલર અને નગરપાલિકાના વિપક્ષના નેતા અલ્પેશભાઈ પઢિયારના નેતૃત્વમાં બાકરોલના ગ્રામજનોએ સ્વયંભૂ રેલી કાઢી હતી. જે સવારે વલ્લભ વિદ્યાનગરની બેંક ઓફ બરોડા ચોકડીથી રેલી પ્રારંભ કરી વિવિધ વિસ્તારોમાં ફરી પ્લેકાર્ડ પ્રદર્શિત કરી મૌન વિરોધ પ્રદર્શન કરતાં વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે પહોંચી હતી. જયાં અલ્પેશ પઢિયાર સહિત ગામના અગ્રણીઓ તેમજ દિપની માતા રમીલાબેન સુનિલભાઈ વસાવા, પિતા સુનિલભાઈ બેચરભાઈ વસાવા, ઈરફાન મલેક, ક્ષત્રીય સમાજના સુનિલસિંહ પરમાર, સુલોચનાબેન શર્મા, ધીરૂભાઈ પરમાર, ઐયુબખાન બચુખાન પઠાણ, એમ.જે.સૈયદ, ભરતભાઈ સથવારા સહિત આગેવાનોએ પોલીસ ઈન્સ્પેકટર એન એન જાદવને આવેદનપત્ર આપી દીપની હત્યામા સંડોવાયેલી કોઈપણ વ્યક્તિઓ હોય તેને સખ્ત સજા થાય તે માટે તેઓની તાકિદે ધરપકડ કરવા માંગ કરી હતી તેમજ બાકરોલ ખાતે અલગ પોલીસ ચોકી અને પોલીસ સ્ટાફ ફાળવી આપવાની માગ કરી હતી.
બાકરોલમાં કિશોરના હત્યારાઓને ઝડપી પાડવાની માંગ સાથે ગ્રામજનોની રેલી

Recent Comments