દેવગઢબારિયા, તા.૧
દેવગઢબારિયામાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. માનવ ઉપર હુમલની સાથે સાથે દીપડો બે બળદ અને બકરીનો શિકાર કરતા માલધારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે દીપડાના આતંકથી હાલ તો દેવગઢબારિયાની પ્રજા પરેશાન છે ત્યારે આ દીપડાને પકડવા માટે વનવિભાગની ટીમે પણ પાંજરા મૂકીને કવાયત હાથ ધરી છે.
દેવગઢબારિયા તાલુકાના ડાંગરીઆ ગામ ખાતે દીપડાએ રાત્રિના સમયે હુમલો કરી બે બળદ અને બકરીને શિકાર બનાવ્યા છે. જેથી પ્રજામાં ભયનો માહોલ ઊભો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢબારિયા તાલુકાના ડાંગરીઆ ગામ ખાતે મોટાભાગે જંગલ વિસ્તાર આવેલો છે. આ જંગલનો વિસ્તાર દેવગઢથી લઈ રઈબાર સુધી જંગલ વિસ્તાર વિસ્તરેલો છે. આ જંગલમાં ગીચ ઝાડી પણ હોવાના લીધે દીપડા જેવા હિંસક પ્રાણીઓ વસવાટ કરે છે. એક જ રાત્રિના સમયે દીપડાએ બે અલગ અલગ જગ્યાએ બે બળદ તથા બકરીને શિકાર બનાવતા ગામડામાં વસવાટ કરતી પ્રજામાં ફફડાટ વ્યાપી ગયો છે. દેવગઢબારિયા તાલુકાના ડાંગરીઆ ગામના લુહાર ફળિયાના બાબુભાઈ રામજીભાઈ પટેલ રાત્રિના સમયે પોતાના બંને બળદોને ઘરની આગળ બાંધીને રાબેતા મુજબ જમી પરવારીને ઘરમાં સૂઈ ગયા હતા ત્યારે લગભગ રાત્રિના અઢી વાગ્યાના સુમારે જંગલમાંથી દીપડાએ આવી બળદો પર હુમલો કરતા બળદો મરણ ગયેલ જે સંદર્ભે દેવગઢબારિયા વન વિભાગના કર્મીઓને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં વનકર્મીઓ સ્થળ પર આવી આ અંગેની તપાસ હાથ ધરી હતી જ્યારે બીજો બનાવ પણ ડાંગરીઆ ગામના લુહાર ફળિયામાં રહેતા સંજયભાઈ શંકરભાઈ ડાંગરીઆ જંગલમાં બકરા ચરાવવા માટે ગયેલ ત્યારે દીપડાએ બકરા જોઈ બકરાના ટોળા પર હુમલો કરી એક બકરીને મારી નાખેલી. આમ દીપડાએ ડાંગરીઆના જંગલ વિસ્તારમાંથી આવી માનવવસ્તીમાં જઈ એક જ રાત્રિમાં બે બળદોને શિકાર બનાવી મારી નાખતા ગામડાની પ્રજામાં દીપડાના આતંકનો ભય સતાવી રહ્યો છે.
એક તરફ ધાનપુરના જંગલોમાં દીપડાએ આતંક મચાવી એક જ અઠવાડિયામાં કુલ ચાર જેટલા માણસોને શિકાર બનાવી મોતના મુખમાં ધકેલી દીધા હતા જે વાત સમગ્ર દાહોદ જિલ્લામાં હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે. જે દીપડાને મારવા માટે સરકાર તરફથી મંજૂરી પણ માંગવામાં આવી છે અને ૧પ૦થી ર૦૦ જેટલા વનકર્મીઓની ટીમ દીપડાને પકડવાના આઠ જેટલાં પીંજરા મૂકીને કામે લાગી છે. છતાં પણ દીપડાના કોઈ સગડ નથી ત્યારે દેવગઢબારિયા તાલુકાના ડાંગરીઆ ગામમાં દીપડાએ પશુઓ પર ત્રાટકતાં લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. આ અંગે દેવગઢબારિયાના રેન્જ ફોરેસ્ટ અધિકારી પી.એસ.રાઠોડે જણાવ્યું હતું કે દેવગઢબારિયા તાલુકાના ડાંગરીઆ ગામ ખાતે જે બળદોને રાત્રિના સમયે દીપડાએ ત્રાટકી મારી નાંખ્યા છે તે બળદો મરણ જવાથી સરકારની જોગવાઈ મુજબ એક બળદના રૂા.૩૦,૦૦૦/- સહાય ચૂકવવામાં આવશે.