(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૪
જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર તથા ગાંધીનગરના વન વિભાગના અધિકારીઓ સિંહના મોતનું સત્ય છુપાવવામાં વ્યસ્ત રહ્યા બાદ હવે જ્યારે સિંહનો મૃત્યુ આંક ર૧ પહોંચ્યો ત્યારે સ્વીકારે છે કે ચાર સિંહના શરીરમાંથી વાયરસનું પ્રમાણ જોવા મળ્યું છે. જ્યારે સિંહના મૃત શરીરમાંથી પ્રોટોઝોઆ ઈન્ફેકશનના પુરાવા મળ્યા છે અન અમેરિકાથી કેટલીક દવા મંગાવીને સિંહનું રક્ષણ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે અત્યાર સુધી ઈન્ફાઈટની વાતો કરનારા વનવિભાગના અધિકારીઓ હવે એ વાત સ્વીકારી રહ્યા છે કે વાયરસ અને ઈન્ફેક્શન સિંહના સામુહિક મોત પાછળ જવાબદાર છે. છેલ્લા ૪ વર્ષમાં કુલ ર૪૩ સિંહના મોત થયા છે. જેમાં ર૧ સિંહના મોતને ઉમેરવામાં આવે તો સિંહના મોતનો આંકડો ર૬૪ સુધી પહોંચ્યો છે. અમરેલીના ધારી જંગલ વિસ્તારમાં થોડા દિવસોમાં એક પછી એક નહીં સામુહિક રીતે એક જ જૂથના ર૧ સિંહના મોત થયા છે. ધારીના જે જંગલ વિસ્તારમાં એક સાથે ૯-૯ સિંહના મૃતદેહ મળી આવ્યા તે માત્ર એક કિલોમીટરનો જંગલ વિસ્તાર જ હતો એટલે કે આજુબાજુમાં આ મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતદેહ જ્યાંથી મળી આવ્યા તેની નજીક એટલે કે પ૦ મીટર દૂર એક બળદનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું મારણ કરવામાં આવ્યું હતું પરંતુ સિંહના મૃત શરીરના નમૂના લેવડાવનાર અધિકારીઓએ મારણના મૃત શરીરનો નાશ કરી નાખ્યો હતો અને તેના કોઈ નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા ન હતા. વન વિભાગના અધિકારીઓ સિંહના સામુહિક મોતથી જાણે કોઈ આભ ફાટી પડવાનું નથી તેવી વાતો કરતા હતા. સિંહના સામુહિક મોત જે વિસ્તારમાં જોવા મળ્યા છે. તેમના ૪ સિંહના શરીરમાંથી વાયરસનું પ્રમાણ જોવા મળ્યું છે. તેવું પુના સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીનું કહેવું છે અને ૬ સિંહના મૃત શરીરમાંથી ટીઆઈસીકેએસથી ફેલાતા ઈન્ફેકશનના પુરાવા મળ્યા છે. જો કે આ પ્રોટોઝોઆ નામનું ઈન્ફેકશન જેમાં જોવા મળ્યું છે તે સિંહો માત્ર સરસીયા, ચરૂણિયો વિસ્તારનાં હોવાનું જાણવા મળ્યું છે. સાવચેતીના પગલારૂપે સેમરડી વિસ્તારમાં કાયમી વસવાટ કરતા તમામ સિંહને રેસ્ક્યું કરીને જામવાળા એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. જેને એકાંતમાં રાખીને તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ સિંહની સંખ્યા ૩૧ની છે. રાજ્ય સરકાર દ્વારા સિંહના સામુહિક મોત બાદ સિંહ માટે અમેરિકાથી દવા મંગાવવામાં આવી છે. ખૂબીની વાત એ છે કે સિંહના સ્કેનિંગ દરમ્યાન વનવિભાગના અધિકારીઓએ સિંહની વસ્તી પણ વધારે હોવાનો એકરાર કર્યો છે. જે સંખ્યા અગાઉ પર૩ની હતી હવે ૬૦૦થી સિંહ વધુ જોવા મળ્યા છે. ત્યારે સવાલ એ છે કે સિંહના મોત માટે કોઈ જવાબદાર નથી તો મોતનું કારણ છુપાવવામાં કોને રસ હતો ? અને હવે સિંહના આ સામુહિક મોત પછી સિંહ સંરક્ષણની કામગીરી કેવી રીતે થશે ? તેઓ સવાલ ઉઠી રહ્યો છે.